મહાનગરપાલિકાના નોટીસનો જવાબ આપતા મદદની માંગણી સાથે રજૂઆત કરી
ખાસ-ખબર સંવાદદાતા
સર્વેશ્ર્વર ચોકમાં વોંકળાની છત તૂટવાની દુર્ઘટના અંગે મહાનગરપાલિકા દ્વારા પાઠવામાં આવેલી નોટીસ અંગે શિવમ કોમ્પલેક્ષ-2ના દુકારનધારકોએ મહાનગરપાલિકાને જવાબ આપવાની સાથોસાથ મદદની માંગણી કરી છે. શિવમ કોમ્પલેક્ષ-2માં અંદાજીત 20 દુકાનો અને ઓફિસો આવેલી છે. તમામ ધારકોના પરિવારોની રોજગારી તેમજ તેને ત્યાં નોકરી કરતા કર્મચારીઓની રોજગારી આના પર જ નિર્ભર છે. તેથી પરિવારોનું ગુજરાન બિલ્ડીંગ પર નિર્ભર હોવાથી બિલ્ડીંગ અંગે તાત્કાલીક પોઝિટીવ નિર્ણય લઇ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. દુકાન અને ઓફિસ ધારકોએ રોજગારીનો મોટો પ્રશ્ન હોવાથી રજૂઆત કરી રહ્યા હોવાનું જણાવ્યું છે.
મદદ માગતા નોટીસના જવાબમાં જણાવ્યા મુજબ શિવમ કોમ્પલેક્ષ-2નો વર્ષ 1990માં પ્લાન મંજૂરસ થયો હતો. ત્યારબાદ જરુરી ફેરફાર સાથે ફરીથી નવો પ્લાન વર્ષ 1991માં મંજૂર થયો હતો. ત્યારબાદ આ બિલ્ડીંગનો ઉપયોગ કરવાનું મંજૂરીપત્ર વર્ષ 1992માં આપવામાં આવ્યું હતું. આ બિલ્ડીંગમાં નીચેના બેઝમેન્ટમાં કોઇ પાર્કીંગ નથી. નીચેના ભાગમાં રાજકોટ મહાનગરપાલિકાનો પાણીના નિકાલનો વોંકળો આવેલો છે. અને જે ભાગની છત તૂટી છે તે આ બિલ્ડીંગની બહારના ભાગની શિવા બેલ્ટ પાસેની લોબીની છત છે. આ બિલ્ડીંગના જે તે સમયના સ્ટ્રકચરલ એન્જીનીયર જે કોઇ હતા તે હાલ મળેલ જાણકારી મુજબ હયાત નથી. તેથી અમે સ્ટ્રકચરલ સ્ટેબીલીટી સર્ટીફિકેટ રજૂ કરી શકીએ તેમ નથી. વળી અન્ય એન્જીનીયર આ સર્ટીફિકેટ આપી શકે નહીં. તેથી રાજકોટ મહાનગરપાલિકાની સ્ટ્રકચરલ એન્જીનીયરની એક માન્ય ટીમ દ્વારા આ બિલ્ડીંગની સ્ટેબીલીટી તપાસવામાં આવે તથા તે ટીમ દ્વારા આ બિલ્ડીંગ માટે જરૂરી જે કંઇ કરવાનું હોય તે અમને જણાવવામાં આવે અને ત્યારબાદ ફરીથી નિરીક્ષણ કરી આપે નિમણૂંક કરેલ સ્ટ્રકચરલ એન્જીનીયર દ્વારા સ્ટેબીલીટી સર્ટીફિકેટ કામ પૂર્ણ થયે અમોને આપે ત્યારબાદ અમે આપને રજૂ કરીશું. તેમ શિવમ કોમ્પ્લેક્ષ-2ના મિલ્કત ધારકોની અને એસોસીએશન દ્વારા રજૂઆત સહ વિનંતી કરવામાં આવી છે. તેમજ દુર્ઘટના ઘટી તે બિલ્ડીંગ શિવમ કોમ્પ્લેક્ષ-2 છે, પરંતુ મહાનગરપાલિકાની કચેરીમાં શિવમ કોમ્પ્લેક્ષ-1 તરીકે ઉલ્લેખ થતો હોવાથી તેમાં પણ સુધારો કરવા નોટીસમાં જણાવાયું હતું.