ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
બળબળતા ઉનાળામાં જ્યારે લોકો ઘરની બહાર પણ પગ નથી મૂકી શકતા અને પાણી ખૂબ પીવા છતાં પણ લોકોને સતત તરસ લાગ્યા જ કરે છે ત્યારે તરબૂચે લોકોની તરસને સંતોષી છે. સુરેન્દ્રનગર શહેરમાં ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીનો પરો વધવા લાગ્યો છે. ત્યારે માનવ શરીરને અંદરની ઠંડક આપતાં ફ્રૂટમાં તરબૂચ મહત્વનો ભાગ ભજવે છે. હાલ બજારમાં અલગ અલગ વકલના તરબૂચ આવી રહ્યા છે. જેવા કે કિરણ, તાઈવાન(પાટ્ટા પાટ્ટા વાળા), સુગર કિંગ વગેરે જેવી જુદી ખેત પેદાશો શહેરમાં હાલ ઠેર ઠેર જોવા મળે છે. આ તરબૂચનું વાવેતર ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કરવામાં આવે છે. જેનો પાક તૈયાર થવામાં અંદાજે 3 મહિના જેટલો સમય લાગે છે. ગરમીની શરૂઆત થતા સુધીમાં મોટાભાગે પાક તૈયાર થાઈ જાય છે. 1 વીઘામાં 30થી 40 ટન તરબૂચનો પાક તૈયાર થાય છે. જો પાકને ફૂગ કે અન્ય રોગ લાગુ પડે તો ઓછો પણ ફાલ આવે છે. હાલ ઘણા ખરા ખેડૂતો ઘવ – કપાસ જેવા રૂઢિગત પાકની જગ્યાએ સિઝનેબલ – બાગયતી ખેતી તરફ વધુ વળતા ધ્યાને આવ્યા છે. ત્યારે જ્યારે પહેલા તરબૂચ બહારથી જિલ્લામાં લાવવામાં આવતા હતા. ત્યારે હવે જિલ્લામાંથી જ આ મીઠાં મધૂરા તરબૂચ મળી જાય છે. શહેરીજનોને ગરમીમાં ઠંડક આપવા હાલ શહેરની અલગ અલગ જગ્યાઓ પર તરબૂચ 35 રૂપિયે કિલોના ભાવથી વેચાય છે. ઘણા વેપારીઓ તરબૂચને કાપીને ઠંડા કરીને એક પ્લેટના 30 રૂપિયા જેવા ભાવ પણ લે છે. હાલ ઉનાળાની ગરમીમાં મીઠાં મધૂરા તરબૂચે લોકોને ઠંડક આપવાની શરૂઆત કરી દીધી છે.
ઉનાળામાં ગરમીનો પારો વધતા જિલ્લાભરમાં તરબુચની માગમાં વધારો
