ગત વર્ષ કરતાં તરબૂચ અને ટેટીના ભાવમાં બમણો વધારો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આ કાળઝાળ ગરમીમાં હેલ્થને સુધારવા માટે શક્કરટેટી અને તરબૂચ આ બે ફળનું ભરપૂર સેવન કરવામાં આવતું હોય છે. ગરમીની શરૂઆત થતાં જ શહેરમાં ઠેકઠેકાણે તરબૂચ અને ટેટીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. લોકોમાં ટેટી, તરબૂચની માંગ પણ વધી છે. શહેરના અનેક વિસ્તારોમાં તંબુ નાખી વેપારીઓ તરબૂચ અને ટેટીનું વેચાણ કરી રહ્યા છે. ગરમીનો પ્રકોપ વધતાં ઠંડક આપતાં કુદરતી ફળો તરબૂચ અને ટેટી એ ઉનાળાનું અમૃત કહેવાય છે. ઉનાળાની શરૂઆત થતાં શરીરમાં ઠંડક મેળવવા તરબૂચનો વધારે પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. જો કે ગત વર્ષની સરખામણીએ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે બજારમાં તરબૂચના મણના ભાવ 200થી 250 તેમજ બજારમાં 10થી 15 રૂપિયામાં છૂટક વેચાણ થતું હતું જેમાં આ વર્ષે બમણો વધારો થયો છે.
ગુજરાતમાં શક્કરટેટી અને તરબૂચ સરેરાશ 7060 હેકટરમાં 70 ટકા શક્કરટેટી અને 30 ટકા તરબૂચનું વાવેતર થાય છે. જ્યારે બનાસકાંઠાની રેતાળ જમીનમાં 5 હજાર હેકટરમાં વાવેતર થાય છે. જેમાં અડધું તો ડીસામાં જ થાય છે. સાબરકાંઠા અને જામનગરમાં સારું વાવેતર થતું હોય છે. હેકટરે 10થી 15 ટન ટેટી અને તરબૂચનું ઉત્પાદન થાય છે. આમ આ વર્ષે તરબૂચ અને ટેટીના ભાવ ડબલ છે છતાં પણ લોકોમાં ટેટી-તરબૂચની માંગ વધી છે.



