ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. સામાન્ય રીતે જૂન અંત કે જુલાઈ સુધીમાં ખાસ વરસાદ જોવા મળતો નથી, પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં 56.62% વરસાદ વરસી ચૂક્યો છે. આ અસામાન્ય વરસાદને કારણે ચોમાસાની શરૂઆતમાં જ છત્રી અને રેઈનકોટની માંગમાં 30%નો વધારો જોવા મળ્યો છે, જ્યારે આ વસ્તુઓના ભાવમાં પણ 10%નો વધારો થયો છે.
જૂનની શરૂઆતથી અત્યાર સુધીમાં સુરેન્દ્રનગરમાં 3374 મિ.મી. (56.62%) વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે આ સમયગાળામાં 18 થી 20% જ વરસાદ થતો હોય છે, તેની સરખામણીમાં આ આંકડો છેલ્લા 10 વર્ષનો સૌથી વધુ છે. ગયા વર્ષે આ સમયે માત્ર 1098 મિ.મી. (18.37%) વરસાદ હતો, એટલે કે આ વર્ષે 38.25% વધુ વરસાદ વરસી ગયો છે.
વરસાદથી બચવા માટે છત્રી અને રેઈનકોટની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. સામાન્ય રીતે ચોમાસાના મધ્ય કે અંતમાં જોવા મળતી આ ખરીદી આ વર્ષે શરૂઆતમાં જ શરૂ થઈ ગઈ છે. બજારમાં વિવિધ મટિરિયલના રેઈનકોટ ઉપલબ્ધ છે, જેમાં સફેદ દાણાનો માલ, રફ દાણાનો માલ, પ્લાસ્ટિક, નાયલોન, કોટન કાપડ અને પોપડીવાળા રેઈનકોટનો સમાવેશ થાય છે.
- Advertisement -
પ્લાસ્ટિક મટિરિયલ અને મેન્યુફેક્ચરિંગ કોસ્ટમાં વધારો થતાં છત્રી-રેઈનકોટના ભાવમાં 10%નો વધારો જોવા મળ્યો છે. વેપારી સૌરભ દોશીએ જણાવ્યું કે, “આવા સમયે માંગ ઓછી હોય છે, પરંતુ વધુ વરસાદને કારણે હાલ સામાન્ય કરતાં 30% વધુ ગ્રાહકી છે. છત્રી સાથે રેઈનકોટની માંગ પણ વધુ રહે છે.” બાળકો માટે રૂ. 250 થી રૂ. 300 સુધીની રેન્જમાં અને મોટાઓ માટે રૂ. 800 થી રૂ. 1500 સુધીની સારી ક્વોલિટીના રેઈનકોટ ઉપલબ્ધ છે.
અવનવી વેરાયટી અને મોબાઈલ કવરની માંગ
બાળકોમાં કાર્ટૂન કેરેક્ટર જેવા કે ડોરેમોન, સ્પાઈડરમેન, બાર્બી ડોલ સહિતની આકૃતિવાળા રેઈનકોટ અને છત્રીની માંગ વધુ જોવા મળે છે. “યુઝ એન્ડ થ્રો” પ્રકારના રેઈનકોટ પણ બજારમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, મોબાઈલ એક મહત્વનું ગેજેટ હોવાથી તે પલળે નહીં તેવા મોબાઈલ કવરની માંગ પણ સારી એવી રહી છે.



