2001ના ભૂકંપ બાદ કચેરીઓનું સ્થળાંતર, હાલ જર્જરિત હાલતમાં
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
સાવરકુંડલા શહેરના રાજા-રજવાડાના કાળથી બનેલો ઐતિહાસિક દરબારગઢ, જે એક સમયે શહેરનું મુખ્ય વહીવટી કેન્દ્ર હતો, તે હાલ જર્જરિત હાલતમાં જોવા મળે છે. સ્થાનિક લોકો દ્વારા આ દરબારગઢનું સમારકામ કરીને તેને પુનજીર્વિત કરવાની અને અહીં જોગીદાસ બાપુનું મ્યુઝિયમ બનાવવાની માંગણી ઉઠી છે. સાવર અને કુંડલાના ખુમાણ દરબારોનું નિવાસસ્થાન માનવામાં આવતો આ દરબારગઢ આઝાદી બાદ ભાવનગર મહારાજે રાજ્ય સરકારને સોંપ્યો હતો. વર્ષ 2000 સુધી અહીં કોર્ટ, મામલતદાર કચેરી, નગરપાલિકા સહિત 12 જેટલી સરકારી કચેરીઓ કાર્યરત હતી. પરંતુ, 2001ના ભૂકંપ બાદ મોટાભાગની કચેરીઓનું સ્થળાંતર થતાં હાલ માત્ર બે જ કચેરીઓ કાર્યરત છે.
- Advertisement -
પૌરાણિક બાંધકામ અને ઇમારતી લાકડાથી બનેલો આ વિશાળ દરબારગઢ સમારકામના અભાવે દિવસે દિવસે જર્જરિત બની રહ્યો છે. ચારે તરફ વૃક્ષો અને વેલાઓ ઊગી નીકળ્યા છે, જે તેની કલાત્મક બાંધણીને નુકસાન પહોંચાડી રહ્યા છે. લોકોની માંગ છે કે દરબારગઢના વિશાળ જગ્યામાં એટલે કે 250 બાય 600 ફૂટના વિસ્તારમાં જોગીદાસ બાપુનું મ્યુઝિયમ બનાવવામાં આવે. આ ઉપરાંત, વોકિંગ માટે પણ જગ્યા ફાળવવામાં આવે જેથી પ્રવાસન ક્ષેત્રે તેનો વિકાસ થઈ શકે. આ દરબારગઢ હિન્દુ અને મુસ્લિમ ધર્મનો સમન્વય દર્શાવતા શિવ મંદિર અને પીર બાબાની દરગાહ પણ ધરાવે છે.