પ્રાચીન ગરબાની ઝલક જોવા માટે છે રંગીલા રાજકોટમાં, તબલાનો ભાવ 3500થી લઈ 12,500 મંજીરાનો ભાવ 125થી 350 અને હાર્મોનિયમનો ભાવ 6500થી 15 હજાર રૂપિયા
ખાસ-ખબર સંવાદદાતા
ગણેસોત્સવ હવે પૂરો થઈ ગયો છે.જેથી સૌ કોઈ નવરાત્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.ગરબા એટલે ગુજરાતીની એક આગવી ઓળખ. ત્યારે રંગીલા રાજકોટમાં અર્વાચીન ગરબાની સાથે સાથે પ્રાચીન ગરબાની પણ એક ખાસ ઝલક જોવા મળે છે. ત્યારે રંગીલા રાજકોટમાં અત્યારે માતાજીની આરાધના કરવા માટે હાર્મોનિયમ, તબલા અને મંજીરા દ્વારા રેલાતું સંગીત લોકપ્રિય બન્યુ છે.જેથી માર્કેટમાં હાર્મોનિયમ, તબલા અને મંજીરા જેવા સાધનોની ડિમાન્ડ વધી છે.શાસ્ત્રીય સંગીતનો ક્રેઝ વધતા હવે હાર્મોનિયમ, તબલા અને મંજીરાની માંગ વધુ જોવા મળી રહી છે. રાજકોટમાં ખાસ તો નાની-મોટી ગરબીઓમાં વાંજિત્રોના ઉપયોગથી ગરબી રમવામાં આવે છે.જ્યારે અર્વાચીન રાસોત્સવમાં ડીજેના તાલે ગરબા રમવામાં આવે છે.પણ પ્રાચીન ગરબામાં આજે પણ તબલા, હાર્મોનિયમ અને મંજીરાનાં તાલે જ બાળાઓ ગરબે ઘૂમી માતાજીની સાધના કરે છે. ત્યારે નવરાત્રિ નજીક આવતાની સાથે જ પ્રાચીન વાજિત્રો ખરીદવા અને રીપેર કરવા માટે લોકો માર્કેટમાં ઉમટી રહ્યાં છે. બાપ-દાદાનાં સમયથી તબલા, હાર્મોનિયમ જેવા વિવિધ પ્રાચીન વાજિંત્રોનું વેચાણ અને રીપેરીંગ કરતા રાજદીપ દેવડાએ જણાવ્યું કે, માર્કેટમાં આજે પણ જુના વાજીંત્રોની બોલબાલા છે. લોકો જુના વાજીંત્રો રિપેર કરાવવા માટે આવે છે.તો કેટલાક લોકો નવા વાજીંત્રોની ખરીદી કરવા માટે આવે છે. ગયા વર્ષ કરતા આ વર્ષે આ વાજીંત્રોના ભાવમાં પણ વધારો થયો છે. વાજીંત્રોના ભાવ વિશે વાત કરવામાં આવે તો તબલાનો ભાવ 3500થી લઈ 12,500, મંજુરાનો ભાવ 125થી 350 અને હાર્મોનિયમનો ભાવ 6500થી 15 હજાર રૂપિયા છે. જ્યારે ઢોલકની વાત કરવામાં આવે તો ઢોલકનો ભાવ 1500થી લઈને 5 હજાર રૂપિયા ભાવ છે.