ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર તાલુકામાં રામપરા વીડી વિસ્તારમાં છેલ્લાં લાંબા સમયથી દીપડાની રંજાડ હોય ખેડૂતો રાત્રીના સમયે વાડીએ જઈ શકતા ન હોવાથી દિવસ દરમિયાન ખેતીવાડીમાં વીજ પુરવઠો આપવા ભારતીય કિસાન સંઘ દ્વારા વાંકાનેર પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને લેખિત રજુઆત કરવામાં આવી છે. ભારતીય કિસાન સંઘ વાંકાનેર તાલુકાના પ્રમુખ વાસુદેવસિંહ ઝાલા અને મંત્રી મનુભાઈ ઝાલા દ્વારા વાંકાનેર પીજીવીસીએલને લેખિત રજૂઆત કરીને જણાવવામાં આવ્યું છે કે, વાંકાનેર રામપરા વીડી નજીક આવેલા ઘીયાવડ, ઈશ્વરીયા નેસ અને પીપરડી સીમમાં છેલ્લા લાંબા સમયથી દીપડાની રંજાડ છે. દીપડાને પકડવા વન વિભાગ દ્વારા પાંજરા મુકવા છતાં દીપડો પકડાયો ન હોય ખેડૂતો રાત્રીના સમયે પોતાની વાડીએ જઈ શકતા નથી. આ સંજોગોમાં વનવિભાગની હદમાં આવેલા ઉપરોક્ત તમામ ગામોમાં ખેડૂતોને રાત્રીના બદલે દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવા માટે માંગ કરવામાં આવી છે
વાંકાનેર પંથકમાં દીપડાની રંજાડને કારણે ખેડૂતોને દિવસે વીજળી આપવા માંગ
