ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
સુરેન્દ્રનગર એસ.ટી. ડેપોમાં આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરોએ સીસીટીવી કેમેરા લગાવવા અને અન્ય સુવિધાઓ વધારવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે ડેપોમાં સુરક્ષા વ્યવસ્થા સુધારવા પર ભાર મૂક્યો હતો.વેપારીઓ, દુકાનદારો અને હોટલો સહિત શહેરના અન્ય સ્થળોએ સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરના સૌથી મોટા બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા ન હોવા અંગે કાર્યકરોએ સવાલ ઉઠાવ્યો હતો. ‘આપ’ના આગેવાનો અને કાર્યકરોએ તાત્કાલિક સીસીટીવી કેમેરા લગાવવાની બુલંદ માંગ કરી હતી.આ મામલે વઢવાણ વિધાનસભાના રાજકીય આગેવાનો, પદાધિકારીઓ અને જવાબદાર તંત્રવાહકોને જગાડવાના હેતુસર એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં નવનિર્મિત એસ.ટી. ડેપોમાં મુસાફરોના હિતમાં સીસીટીવી કેમેરા સત્વરે નાખવાની માંગણી કરવામાં આવી હતી.
- Advertisement -
‘આપ’ના કમલેશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરના આધુનિક બસ સ્ટેશનમાં સીસીટીવીની સુવિધાઓ નથી. આ ઉપરાંત, એલઈડી સ્ક્રીન પણ બંધ હાલતમાં છે અને કેટલાક રૂટ પર બસો સમયસર દોડતી નથી.આ તમામ બાબતો અંગે વઢવાણના ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી છે.



