સ્થાનિક વિભાગની નિષ્ક્રિય ભૂમિકાથી અનેક સવાલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજનો ભરપૂર ભંડાર હોવાથી ખનિજ માફીયાઓ લૂંટાય એટલું ખનિજ લૂંટી રહ્યા છે. બેરોકટોક ચાલતા ખનિજના ખનન સામે સ્થાનિક તંત્ર મૂકપ્રેક્ષક બની બેઠુ છે અથવા તો જોઈ જાણીને કોઈ કામગીરી કરવા માંગતું નથી તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામે પણ છેલ્લા કેટલાક સમયથી રેતી વોશનો ગેરકાયદેસર પ્લાન્ટ શરૂ કરાયો છે જેમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી બાદમાં વોશ પ્લાન્ટ ખાતે રેતીનો વોશ કરાય છે. જેગડવાના સીમ વિસ્તારમાં ચાલતા આ ગેરકાયદેસર પ્લાન્ટ બાબતે તંત્રને પણ રજૂઆત કરાઈ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જ્યારે જેગડવા ગામે ગેરકાયદેસર ખનનથી ગ્રામ્ય ખેડૂતોને પાણીના તળ ઉંડા ચાલ્યા જાય છે આ સાથે પ્રકૃતિને પણ એટલું જ નુકશાન થાય છે પરંતુ ગજવા ગરમ કરતા તંત્ર કામગીરી કરવાથી અલગ રહે છે. જેના લીધે ગ્રામજનો દ્વારા હવે રેતીના વોશ પ્લાન્ટ પર જાતે જ જનતા રેઇડ કરશે તેવી ચીમકી પણ ઉચરાઈ છે.