18 જુલાઈના રોજ LAX થી એટલાન્ટા જતી ડેલ્ટા ફ્લાઇટ ટેકઓફ કર્યા પછી તરત જ પાછી ફરી કારણ કે ક્રૂએ વિમાનના ડાબા એન્જિનમાં આગ લાગવાના સંકેતો જોયા.
લોસ એન્જેલસ એરપોર્ટથી એટલાન્ટા જઇ રહેલા વિમાનના એન્જિનમા આગ લાગવાથી તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફલાઇટ ડીએલ 446ના એન્જિનમાં ટેકઓફ પછી તરત આગ લાગી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.
આ વીડિયોમાં ડાબી તરફના એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જો કે કોઇ પ્રકારનું નુકસાન થયું ન હતું અને વિમાનને સુરક્ષિત રીતે એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. કોઇ પણ વ્યકિતના ઘાયલ થવાના સમાચાર મળ્યા નથી અને વિમાને સુરક્ષિત લેન્ડિંગ કર્યુ હતું. રિપોર્ટ અનુસાર આગ લાગતા જ વિમાનમાં ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી હતી.
- Advertisement -
ત્યારબાદ વિમાનને એરપોર્ટ પર પરત લઇ જવાની તૈયારી શરૂ કરવામાં આવી હતી. લોસ એન્જેલસ એરપોર્ટ પર એટીસીએ વિમાનને પરત લાવવામાં મદદ કરી હતી. ત્યારબાદ ગ્રાઉન્ડની ઇમરજન્સી સેવાઓને તૈનાત રહેવાનો આદેશ આપ્યો હતો. ડીએલ 446 પ્રથમ પેસિફિકની ઉપર ગયું હતું. ત્યારબાદ તે ડોની અને પેરામાઉન્ટ ક્ષેત્રની નીચે ઉતરવા લાગ્યું હતું. આ દરમિયાન વિમાનના ક્રૂ મેમ્બરોએ સુરક્ષિત લેન્ડિંગની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. આ દરમિયાન વિમાનની ગતિ અને ઉંચાઇ સંપૂર્ણપણે નિયંત્રણમાં હતી.
અત્યાર સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને તપાસ શરૂ કરી દીધી છે. આ અગાઉ પણ ડેલ્ટા વિમાનમાં ઓરલેંડો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે આગ લાગી હતી. વિમાનમાં 282 યાત્રી, 10 ક્રૂ મેમ્બર અને બે પાયલોટ હતાં. આ વિમાન એરબસ એ-330 હતું.




