દિલ્હી હાઈકોર્ટનો આ નિર્ણય ડાબર ઈન્ડિયા દ્વારા ચ્યવનપ્રાશ સંબંધિત ટીવી જાહેરાતો અંગે દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આવ્યો છે.
સ્વામી રામદેવની કંપની પતંજલિને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, પતંજલિ ડાબર ચ્યવનપ્રાશ સામે કોઈ ભ્રામક જાહેરાત ચલાવી શકશે નહીં. ડાબર દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે ભ્રામક જાહેરાત પર વચગાળાનો સ્ટે મૂક્યો છે. પતંજલિએ પોતાની જાહેરાતમાં દાવો કર્યો છે કે આયુર્વેદ અને શાસ્ત્ર ગ્રંથો અનુસાર ફક્ત પતંજલિ જ ચ્યવનપ્રાશ બનાવે છે.
- Advertisement -
અરજીમાં ડાબરે શું કહ્યું?
પતંજલિની આ જાહેરાતને રોકવા માટે ડાબરે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો. ડાબરે પોતાની અરજીમાં પતંજલિ પર ભ્રામક અને અપમાનજનક જાહેરાત ચલાવવા બદલ 2 કરોડ રૂપિયાનો દંડ ફટકારવાની વિનંતી કરી છે કારણ કે તેનાથી ડાબરની પ્રતિષ્ઠા અને જનતાનો ડાબર પરનો વિશ્વાસ ખરડાયો છે. ડાબરે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, પતંજલિની જાહેરાતમાં રામદેવ ખોટો દાવો કરી રહ્યા છે કે ફક્ત પતંજલિનું ચ્યવનપ્રાશ જ સાચું છે.
આ મામલે આગામી સુનાવણી 14 જુલાઈના રોજ થવાની છે. કોર્ટે વચગાળાનો આદેશ જાહેર કરીને પતંજલિને ભવિષ્યમાં આવી જાહેરાતો ન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય સ્પર્ધા અને નૈતિક જાહેરાતના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉદાહરણ બની શકે છે.