હોસ્પિટલ ઉપરાંત નજીક આવેલી બૅન્ક, દુકાન અને બે બુટિક સુધી આગ ફેલાઇ, 12 બાળક રેસ્ક્યૂ કરાયા, પાંચની સ્થિતિ ગંભીર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
દિલ્હીના વિવેક વિહારમાં બાળકોની એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગતા સાત બાળકોના મોત નિપજ્યા હતા. રાત્રે 11.30 કલાકે બેબી કેર હોસ્પિટલમાં લાગેલી આગ બાદમાં ઇમારતના અન્ય ભાગોમાં ફેલાઇ ગઇ હતી. આગ લાગતા જ ફાયર સ્ટેશનથી 16 વાહનને આગ બુજાવવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બે માળની બિલ્ડિંગમાં ઓક્સિજન સિલિન્ડર રાખવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક સિનિલ્ડરમાં વિસ્ફોટ થયો હતો. જેને કારણે સમગ્ર ઇમારતમાં આગ લાગી હતી. જ્યારે ભારે નુકસાન પણ થયું હતું.
- Advertisement -
આગ અને વિસ્ફોટને કારણે હોસ્પિટલની આસપાસ આવેલી બેંક અને દુકાનને પણ ભારે નુકસાન થયું હતું. ફાયર સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં હોસ્પિટલ, બે બુટિક, એક બેંક અને દુકાનનો હિસ્સો પણ લપેટમાં આવી ગયો હતો. આ સમગ્ર ઘટનામાં હોસ્પિટલમાં સાત બાળકોના મોત નિપજ્યા છે. જેને કારણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દુ:ખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ સમગ્ર ઘટના માટે જે પણ લોકો જવાબદાર હશે તેમને છોડવામાં નહીં આવે અને આકરી કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
હોસ્પિટલની આસપાસના લોકોએ દાવો કર્યો હતો કે હોસ્પિટલમાં ગેરકાયદે ઓક્સિજન સિલિન્ડર ભરવામાં આવતા હતા, સ્થાનિક રહેવાસી મુકેશ બંસલે કહ્યું હતું કે અમે આ મામલે પ્રશાસનને ફરિયાદ કરી હતી જોકે તેમ છતા કોઇ જ કાર્યવાહી નહોતી કરવામાં આવી. ભયજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે અમારે થોડુ દુર રહેવા જવુ પડયું હતું. બીજી તરફ દિલ્હી પોલીસે હોસ્પિટલના માલિક નવીન કીચીની ધરપકડ કરી હતી. દિલ્હી ફાયર સ્ટેશનના ચીફ અતુલ ગર્ગે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના દરમિયાન હોસ્પિટલમાં અનેક બાળકો હતા, જોકે અમારી ટીમે 12 બાળકોને રેસ્ક્યૂ કરીને બચાવી લીધા હતા. જ્યારે સાત બાળકો મોતને ભેટયા હતા.
હોસ્પિટલની આસપાસ ઘણા વાયરો હોવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં મોટી અડચણ ઉભી થઇ હતી. સ્થાનિકો દ્વારા આ સમગ્ર ઘટનાના વીડિયો પણ લેવામાં આવ્યા હતા. હાલ પાંચ બાળકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જેમાંથી કેટલાક ગંભીર રીતે દાજી ગયેલા બાળકોનો પણ સમાવેશ થાય છે. મૃત બાળકોને દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં પીએમ માટે લઇ જવામાં આવ્યા હતા. દરમિયાન દિલ્હીમાં જ કૃષ્ણા નગર વિસ્તારમાં ચાર માળની એક ઇમારતમાં આગ લાગી હતી જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા જ્યારે એક ગંભીર રીતે ઇજા પામ્યો છે. મૃતકોમાં 66 વર્ષના વૃદ્ધ મહિલા, 18 વર્ષનો એક યુવક અને 39 વર્ષના એક પુરુષનો સમાવેશ થાય છે. આગ એટલી ફેલાઇ ગઇ હતી કે 14 વાહનો પણ બળીને ખાખ થઇ ગયા હતા. દરમિયાન છ લોકોને રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા હતા.
રાજકોટમાં બનેલી ઘટનાની સાથે દિલ્હીની આ ઘટના પણ હાલ ચર્ચામાં છે.
- Advertisement -
બેબી કેર સેન્ટરના માલિકની ધરપકડ
દિલ્હીના વિવેક વિહારમાં શનિવારે (25મી મે) રાત્રે બેબી કેર સેન્ટરમાં ભયંકર આગ લાગતા સાત નવજાત બાળકોના મોત થયા હતા. આ મામલે દિલ્હી પોલીસે બેબી કેર સેન્ટરના માલિક ડો. નવીન ખીંચીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ડો. નવીન ખીંચીના બેબી કેર સેન્ટરનો ગુનાઈત ઈતિહાસ રહ્યો છે. વર્ષ 2021માં નવીન ખીચી એન્ડ કેર ન્યૂ બોર્ન એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ સામે ઈંઙઈની કલમ 325, 506, 34 અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ (બાળકોની સંભાળ અને રક્ષણ)ની કલમ 75 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં નવીન ખીચી સામે નર્સિંગ હોમનું રજિસ્ટ્રેશન ન કરવા અને કેસ હિસ્ટ્રીને ખોટી બનાવવાના આરોપો હતો. આ ફરિયાદ હાથરસના એક દંપતીએ નોંધાવી હતી.
આ દંપતીના બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યારે દંપતીએ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ જોયા તો તેમને ખબર પડી કે એક નર્સ તેમના બાળકને માર મારી રહી છે, જેના કારણે બાળકનું હાડકું તૂટી ગયું હતું. જ્યારે દંપતીએ આ અંગે નવીન ખીચીને ફરિયાદ કરી તો તેમણે દંપતીને ધમકી આપી હતી. આ ઉપરાંત વર્ષ 2021માં તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે નર્સિંગ હોમ દિલ્હી નર્સિંગ હોમ એક્ટ હેઠળ નોંધાયેલું ન હતું, પરંતુ દંડ ચૂકવ્યા બાદ આ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.
માહિતી અનુસાર દિલ્હી ફાયર સર્વિસને લગભગ રાતે સાડા અગ્યાર વાગ્યે ફોન આવ્યો હતો કે એક બેબી કેર સેન્ટરમાં આગ ભડકી છે. આ બેબી કેર સેન્ટર પૂર્વ દિલ્હીમાં વિવેક વિહાર ખાતે આવેલું છે. જાણકારી મળતાં લગભગ 8 જેટલાં ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે ધસી ગયા હતા. પહેલા માળેથી 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી સાત બાળકોના હોસ્પિટલમાં મોત થયા હતા.
આગ દુર્ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેમ કે સાત માસૂમ બાળકોના મોત માટે જવાબદાર કોણ? શું આરોગ્ય વિભાગના અધિકારીઓએ બેબી કેર સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું? શું તમામ ધારાધોરણો પૂરા કર્યા પછી જ સેન્ટર ચલાવવાની પરવાનગી હતી? શું બેબી કેર સેન્ટરને ફાયર એનઓસી મળી હતી? શું સ્થાનિક પોલીસની મિલીભગતથી ગેરકાયદે રીતે ઓક્સિજન સિલિન્ડર ભરવાનું કામ ચાલી રહ્યું હતું? શું સ્થાનિક પોલીસને કટીંગ મળી રહ્યું હતું? આ વિસ્તારના દરેક વ્યક્તિ, બાળકોથી લઈને વૃદ્ધો સુધી, બેબી કેર સેન્ટરમાં ઓક્સિજનના ગેરકાયદે રિફિલિંગ વિશે જાણતા હતા, પરંતુ સ્થાનિક પોલીસે આંખ આડા કાન કર્યા હતા.