જલદી પગાર ચુકવવાનો પ્રયાસ: પાલિકા પ્રમુખની ખાતરી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ ઓફિસ સ્ટાફ, જેમાં કોમ્પ્યુટર ઓપરેટર અને પટ્ટાવાળા સહિત 100થી વધુ કર્મચારીઓનો સમાવેશ થાય છે, તેઓ છેલ્લા પાંચ મહિનાથી પગારથી વંચિત છે. આર્થિક તંગી અને દીપાવલી તહેવારના મુખ પર આ સ્થિતીથી આ સ્ટાફમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સ્ટાફના સભ્યોએ પાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સમક્ષ તેમની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, “અમે નિયમિત કામ કરી રહ્યા છીએ, પણ પાંચ મહિનાથી પગાર મળ્યો નથી, જેના કારણે આર્થિક મુશ્કેલીઓ ઉભી થઈ છે. દિવાળી નજીક છે, પણ અમારે માટે ખુશીની આ ઋતુ કપરા સંજોગોમાં ફેરવાઈ છે.” જ્યારે સ્ટાફના આક્રોશ અને રજૂઆતને ધ્યાને લઈ, પાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ એકાઉન્ટ વિભાગને તાત્કાલિક પગલા લેવા સૂચના આપી છે. તેમનું કહેવું છે કે, સ્ટાફનો આર્થિક ભોગ ઝીલે તે પહેલાં જલદીથી પગાર ચૂકવવામાં આવશે. નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ સ્ટાફમાં હવે આશા જાગી છે કે, દિવાળી પૂર્વે તેમના પગાર ચૂકવી દેવાશે, જેથી તેઓ પણ આ તહેવાર નિરાંતે ઉજવી શકે.