ટેક્નોલોજી એપ્લિકેશન ‘વૈશ્ર્વિક’ અને ઓપન સોર્સ આધારિત હોવી જોઈએ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં સતત વધી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીપફેક અને આતંકવાદમાં એઆઈના દુરુપયોગને માનવતા માટે ગંભીર જોખમ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, એઆઈનો દુરુપયોગ ટાળવા ગ્લોબલ એઆઈ કોમ્પેક્ટ બનાવવા અપીલ કરી હતી. તેમણે ક્રિટિકલ ટેક્નોલોજીને નાણાકીય લાભનું સાધન બનાવવાના બદલે માનવ કેન્દ્રીત રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે સૂચન કર્યું કે, ટેક્નોલોજીનો વિકાસ ‘એક્સક્લુઝિવ મોડેલ’ના બદલે ઓપન સોર્સ આધારિત હોવો જોઈએ.
- Advertisement -
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આયોજિત જી-20ના બીજા દિવસે ત્રીજા સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, એઆઈનો ઉપયોગ વૈશ્વિક ભલાઈ માટે થવો જોઈએ. તેનો દુરુપયોગ બિલ્કુલ થવો જોઈએ નહીં. હાલના સમયમાં એઆઈનો ઉપયોગ ડીપફેક, ગૂના અને આતંકવાદમાં થઈ રહ્યો છે. તેને કડકાઈથી રોકવું પડશે. એઆઈના દુરુપયોગને રોકવા માટે વૈશ્વિક સમજૂતી થવી જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, આવી કોઈ સમજૂતી થાય તો તે ત્રણ મૂળભૂત સિદ્ધાંતો પર થવી જોઈએ, જેમાં એઆઈ પર માણસનું નિરીક્ષણ, શરૂઆતથી જ સુરક્ષાનું ધ્યાન અને સંપૂર્ણ પારદર્શિતા. આ બાબતોનું ધ્યાન નહીં રખાય તો ટેક્નોલોજી માણસ માટે જોખમી બની જશે. પીએમ મોદીએ કહ્યું કે, એવી એઆઈ સિસ્ટમ જે સીધા જ માનવ જીવન, સુરક્ષા અથવા જાહેર વિશ્વાસ પર અસર કરે છે તે સંપૂર્ણપણે જવાબદાર અને ઓડિટેબલ હોવી જોઈએ. એઆઈ ટેક્નોલોજી માનવ ક્ષમતાઓને વધારે તેવી હોવી જોઈએ, પરંતુ અંતિમ નિર્ણયનો અધિકાર હંમેશા માણસોના હાથમાં જ રહેવો જોઈએ. તેમણે જણાવ્યું કે, ટેક્નોલોજી એપ્લિકેશન ‘રાષ્ટ્રીય’ના બદલે ‘વૈશ્વિક’ હોવી જોઈએ અને ‘વિશિષ્ટ
મોડેલ્સ’ના બદલે ‘ઓપન સોર્સ’ આધારિત હોવી જોઈએ. આ વિઝનને ભારતના ટેક્નોલોજી ઈકોસિસ્ટમમાં એકીકૃત કરાયું છે અને તેના પરિણામે સ્પેસ એપ્લિકેશન, એઆઈ કે ડિજિટલ પેમેન્ટ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર ફાયદા થયા છે, જેમાં ભારત વિશ્વમાં અગ્રણી છે. આ પહેલાં જી-20 શિખર મંત્રણાની સાથે વડાપ્રધાન મોદીએ ભારત-બ્રાઝિલ-સાઉથ આફ્રિકા લીડર્સ સમિટને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારો હવે કોઈ વિકલ્પ નથી, પરંતુ જરૂરિયાત છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકાની ત્રેખડે વૈશ્વિક શાસનને સંસ્થાનોમાં પરિવર્તન માટે એક સ્પષ્ટ સંદેશો મોકલવો જોઈએ.
તેમણે ઉમેર્યું કે, દુનિયા વિખરાયેલી છે અને વિભાજિત છે તેવા સમયમાં આઈબીએસએ એકતા, સહયોગ અને માનવતાનો સંદેશો આપી શકે છે. તેમણે ત્રણેય દેશો વચ્ચે સુરક્ષા સહયોગને મજબૂત કરવા માટે આઈબીએસએ એનએસએ સ્તરની બેઠકને સંસ્થાગત બનાવવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામફોસા અને બ્રાઝિલના પ્રમુખ લુઈસ ઈનાસિયો લૂલા ડા સિલ્વાની હાજરીમાં થયેલી બેઠકમાં પીએમ મોદીએ કહ્યું, આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં આપણે નજીકના તાલમેલથી સહયોગ આગળ વધારવાનો છે. આટલા ગંભીર મુદ્દા પર કોઈપણ પ્રકારના બેવડા માપદંડને કોઈ સ્થાન નથી. તેમણે માણસના વિકાસ માટે ટેક્નોલોજીની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે ત્રણેય દેશો વચ્ચે યુપીઆઈ જેવા ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોવિન જેવા હેલ્થ પ્લેટફોર્મ, સાઈબર સિક્યોરિટી ફ્રેમવર્ક અને મહિલાઓના નેતૃત્વવાળી ટેક પહેલને શેર કરવામાં મદદ માટે આઈબીએસએ ડિજિટલ ઈનોવેશન ગઠબંધન બનાવવાની દરખાસ્ત કરી હતી.



