જ્યારે વ્યક્તિ પોતાના કામમાં લીન હોય છે, ત્યારે તેને આસપાસની કોઈ વસ્તુનું ભાન રહેતું નથી
એકવાર આઇન્સ્ટાઇન પોતાની લેબોરેટરીમાં કામ કરવા માટે વહેલી સવારના ગયા તે જમવા માટે બહાર જ ન આવ્યા. સાંજ પડવા આવી, આથી આઇન્સ્ટાઇનનો એક આસિસ્ટન્ટ લેબોરેટરીમાં ગયો અને જોયું તો આઇન્સ્ટાઇન પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત હતા. આસિસ્ટન્ટે જમવાનું પૂછ્યું તો આઇન્સ્ટાઇને ના પાડી.
પેલો આસિસ્ટન્ટ આઇન્સ્ટાઇનનું ખૂબ જ ધ્યાન રાખતો હતો, એટલે એણે એક કપ કોફી તૈયાર કરી અને એ કોફીનો કપ લઈને આઇન્સ્ટાઇન જે ટેબલ પર કામ કરતા હતા ત્યાં ગયો; અને કોફીનો કપ ટેબલ પર મૂકીને કહ્યું, તમે સવારથી કંઈ જ જમ્યા નથી આટલી કોફી પી લેજો.
થોડા સમય પછી પેલો આસિસ્ટન્ટ કોફીનો ખાલી કપ લેવા આવ્યો અને ટેબલ પર નજર કરી તો કોફીનો કપ એમ જ ભરેલો પડ્યો હતો. આઇન્સ્ટાઇને એક ઘૂંટડો પણ કોફી પીધી ન હતી. આથી પેલો આસિસ્ટન્ટ થોડો ખીજાયો અને કહ્યું, તમારા માટે કોફીનો એક કપ તૈયાર કરીને તમારા ટેબલ સુધી મૂક્યો અને તમે એ પણ પીધી નહીં? કોફી તો તમે કામ કરતા-કરતા પણ પી શક્યા હોત !
આઇન્સ્ટાઇને ટેબલ પર જોયું તો કોફીનો કપ આખો એમ જ ભરેલો હતો. આઇન્સ્ટાઇન પોતાના માથા પર હાથ ફેરવવા લાગ્યા અને કંઈક વિચારવા લાગ્યા. પેલા આસિસ્ટન્ટે પૂછ્યું, શું થયું ? ત્યારે આઇન્સ્ટાઇને કહ્યું, મેં કંઈક પીધું તો ખરું. જો કોફીનો કપ એમ જ ભરેલો છે, તો મેં શું પીધું એ વિચારું છું.
આઇન્સ્ટાઇનના કાળા હોઠ જોઈને આસિસ્ટન્ટને તુરંત જ ખ્યાલ આવી ગયો અને ટેબલ પર જોતા જ એ હસવા લાગ્યો. આઇન્સ્ટાઇને પૂછ્યું, કેમ હસે છે ? ત્યારે આસિસ્ટન્ટ બોલ્યો, તમે ટેબલ પર કોફીના કપની બાજુમાં પડેલો પેનમાં પૂરવાની શાહીનો કપ ઉપાડીને તે પી ગયા છો.
આઇન્સ્ટાઇન પોતાના કામમાં એવા મશગૂલ હતા કે એ કોફી પીવે છે કે શાહી પીવે છે; એ પણ એને ખબર નહોતી. કામ પ્રત્યેનું કેવું સમર્પણ !
કાશ આપણે પણ અભ્યાસ કે આપણા કામ પ્રત્યે આવા જ સમર્પિત થઈ શકીએ.
- Advertisement -
મારી સફળતાનું રહસ્ય એ હતું કે હું મારા કામ કરવાના ખંડમાં કદી ઘડિયાળ રાખતો ન હતો.
– એડિસન