વાવણી માટે ખેતર તૈયાર કરતા શાકભાજીના છોડ કાઢી નાંખતા આવક ઘટી: બજારમાં શાકભાજીના ભાવમાં વધારો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક ઘટતા બજારમાં વેચાતા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. યાર્ડ કરતા બજારમાં શાકભાજીના ભાવમાં 50 ટકા કરતા વધુનો વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. હાલમાં ઉનાળાની ઋતુના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થઇ રહ્યો છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોમવાર ઉઘડતી બજારે 329 ક્વિન્ટલ શાકભાજીની આવક થઇ હતી. જ્યારે મંગળવાર 101 ક્વિન્ટલ ઘટીને આવક 228 ક્વિન્ટલ થઇ ગઇ હતી.આમ, એક જ દિવસમાં યાર્ડમાં શાકભાજીની આવક 31 ટકા ઘટી હતી.આવક ઘટતાં અને માંગ એટલી જ રહેતા ભાવ આસમાને પહોંચ્યા છે. એક તરફ શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે.
બીજી તરફ સામાન્ય રીતે શાકભાજીના ભાવ વધતા હોય ત્યારે ગૃહિણીઓ શાકભાજીના બદલે કઠોળ તરફ વળતી હોય છે. જોકે,હાલમાં કઠોળના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. ચણા સહિતના કઠોળ, તુવેરની દાળ વગેરેના ભાવમાં પણ 10 ટકાનો વધારો થયો છે. આમ, શાકભાજી અને કઠોળ બન્નેના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ રહ્યું છે. દરમિયાન માર્કેટિંગ યાર્ડના હરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, એક તો ઉનાળાની ઋતુના કારણે શાકભાજીની આવક ઘટી રહી છે. બીજું મહત્વનું કારણ એ છેકે, નજીકના સમયમાં જ ચોમાસાની ઋતુ આવવાની હોય ખેડૂતો વાવણી માટે ખેતર તૈયાર કરી રહ્યા છે. પરિણામે ખેતરમાંથી શાકભાજીના છોડ ઉખેડી નાંખતા આવક ઘટી રહી છે. હવે મોટાભાગના ખેડૂતો વરસાદી ઋતુને લઇને મગફળી સહિતના પાકોનું વાવેતર કરવામાટે ખેતર તૈયાર કરી રહ્યા હોય શાકભાજીની આવક ઘટી રહી છે.