જૂનાગઢ રેશન ડીલરોની પડતર માંગણીઓ ન ઉકેલ ઉકેલાતા રોષ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
જુનાગઢ તાલુકા ફેરપ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યના રેશન ડીલરોની વર્ષોથી ચાલી આવતી વાજબી પડતર માંગણીઓ અંગે વારંવાર ગુજરાત સરકારના પુરવઠા મંત્રી તથા સંબંધિત અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ સંતોષકારક પ્રતિસાદ કે ઉકેલ મળેલ નથી.
- Advertisement -
રાજ્યના બંને સંગઠનો ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન તથા ગુજરાત ફેર પ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે નવેમ્બર-2025 માસ માટે જથ્થાના ચલન નહીં ભરવામાં આવે તેમજ તા.1 નવેમ્બર 2025થી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અળગા રહી અસહકારનું આંદોલન શરૂ કરવામાં આવશે. રેશન ડીલરોને મળતું કમિશન રૂ.3 પ્રતિ કિલો કરવા તથા મિનિમમ કમિશન રૂ.30,000 નક્કી કરવું. તકેદારી સમિતિના 80% સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર તાત્કાલિક રદ કરવો. કમિશનની ચુકવણી સમયસર બેંક એકાઉન્ટમાં જમા થાય તે માટે સોફ્ટવેર સુધારવો. ઈ-પ્રોફાઈલમાં ડીલરના પરિવારના સભ્યોને લોગિન કરવાની મંજૂરી આપવી. રેશન દુકાનની વારસાઈ સંબંધિત જોગવાઈ ફરી શરૂ કરવી. વિતરણ દરમિયાન આવતી માલ ઘટ અને ગુણવત્તા સંબંધિત સમસ્યાનો ન્યાયસંગત ઉકેલ લાવવો.
તપાસણી દરમિયાન થતી હેરાનગતિ રોકવા યોગ્ય નીતિ ઘડવી. એસોસિએશન દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે તો ગ્રાહકોને અનાજ વિતરણમાં વિક્ષેપ થવાની પૂરી શક્યતા રહેશે, જેની સંપૂર્ણ જવાબદારી પુરવઠા વિભાગ અને સરકારની રહેશે. જુનાગઢ તાલુકા ફેરપ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા સરકારને નમ્ર અપીલ કરવામાં આવી છે કે આ મુદ્દાને ગંભીરતાપૂર્વક લઈ રેશન ડીલરોની વાજબી માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે જેથી સામાન્ય જનતાને થતી અસુવિધા ટળી શકે.



 
                                 
                              
        

 
         
         
        