“ઓપરેશન કાવેરી” એ સરકારની ભારતીય નાગરિકો પ્રત્યે જવાબદારીની ભાવના અને સમયસૂચકતાના ઉદાહરણરૂપ છે: મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા
કેન્દ્ર સરકાર દ્વારા “ઓપરેશન કાવેરી” અંતર્ગત સુદાનની ગૃહયુદ્ધની પરિસ્થિતિમાં ફસાયેલા 3000થી વધુ ભારતીય નાગરિકોને સલામતીપૂર્વક સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા. જેમાં સુદાનથી પરત ફરેલા રાજકોટવાસીઓ તરફથી સરકારનો ઋણસ્વીકાર કાર્યક્રમ અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટ અને હિન્દુ ઇકોનોમિક ફોરમ દ્વારા પેટ્રિયા સ્યુટસ ખાતે યોજાયો હતો.
- Advertisement -
આ કાર્યક્રમમાં પશુપાલન વિભાગના કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, સુદાનની ગૃહ યુદ્ધની કપરી પરિસ્થિતિમાં ભારત સરકારે “ઓપરેશન કાવેરી” દ્વારા નાગરિકોને સહી સલામત વતન પહોંચાડ્યા છે. આ બધું વીર જવાનો અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાજકીય ઈચ્છા શક્તિ તેમજ દેશની વિદેશનીતિને લીધે શક્ય બન્યું છે. કુદરતી સંસાધનોથી સભર નાઈલ નદીના સુદાન પ્રદેશમાં જોખમકારક રાજકીય પરિસ્થિતિ સર્જાતા સરકારે સમયસૂચકતા દાખવી સરકારે આ રેસ્કયુ ઓપરેશન પાર પાડ્યું. ભારતની વિદેશમાં ઉભરતી છબી અને તિરંગાની તાકાતથી આ રેસ્ક્યુ ઓપરેશન સફળ બન્યું છે અને 800 જેટલા રાજકોટવાસીઓ “ઓપરેશન કાવેરી” હેઠળ પરત ફર્યા છે. વિશ્વમાં કોઈપણ સમસ્યાનો પુકાર થાય ત્યારે મદદે આવનાર દેશ તરીકે ભારતનું સ્થાન મોદીજીએ પ્રસ્થાપિત કર્યું છે. આજે સવારે જ મોદીજીએ એકસાથે 500થી વધુ રેલવે સ્ટેશનના નવીનીકરણ પ્રકલ્પનું ઉદ્ઘાટન કર્યું છે. આમ, વડાપ્રધાન મોદીએ વિકાસને એક અલગ જ સ્કેલ પર પહોંચાડ્યો છે, તેમ મંત્રી રૂપાલાએ ઉમેર્યું હતું, મંત્રીએ સરકારનો ઋણસ્વીકાર કરવા માટે સુદાનથી પરત ફરેલા ભારતીયોને અને આયોજકોને અભિનંદન આપ્યા હતા.
- Advertisement -
કાર્યક્રમની શરૂઆત દેશભક્તિના ગીતોથી થયા બાદ મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાનું સ્વાગત સ્વામી વિવેકાનંદની મૂર્તિ દ્વારા તથા મહાનુભાવોનું પુસ્તક અને અને શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પરત ફરેલ રાજકોટવાસીઓ વતી રોશનીબેન જૂઠાણીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાના કાર્યક્ર્મ બાદ પરત ફરેલા સુદાનવાસીઓએ દેશભક્તિના ગીતોની મોજ માણી હતી.
આ કાર્યક્રમમાં મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર ડો. પ્રદિપ ડવ, સંસદસભ્યો મોહનભાઈ કુંડારીયા તેમજ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય સર્વે દર્શિતાબેન શાહ તેમજ રમેશભાઈ ટીલાળા, અગ્રણી મુકેશભાઈ દોશી તેમજ પક્ષના અન્ય હોદ્દેદારો, સંત પરમાત્માનંદ સરસ્વતી, વિવિધ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.