ખાસ-ખબર ન્યૂઝ પેશાવર, તા.2
પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન સરહદે આવેલા ખૈબર પ્રાંતમાં શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં મૃત્યુઆંક 130ને પાર પહોંચ્યો છે. છેલ્લા 10 દિવસથી આ વિસ્તારના બન્ને સમુદાયના આદિવાસીઓ જમીન મુદ્દે એકબીજા પર હુમલા કરી રહ્યા છે.
22મી નવેમ્બરથી ખૈબરના અલીઝઇ અને બાગન આદિવાસીઓ વચ્ચે હિંસા શરૂૂ થઇ હતી. અહીંના પારાચિનાર વિસ્તારમાં વાહનોના કાફલા પર હુમલો કરાયો હતો જેમાં 47 લોકો માર્યા ગયા હતા, આ હુમલાનો મૃત્યુઆંક બાદમાં વધીને 57 પર પહોંચ્યો હતો. જ્યારે રવિવારે ફરી ફાટી નિકળેલી હિંસામાં વધુ છ લોકો માર્યા ગયા હતા. આ પહેલા બે હુમલામાં પણ અનેક લોકો માર્યા ગયા હતા. જેને પગલે છેલ્લા 10 દિવસમાં આ હિંસામાં મૃત્યુઆંક વધીને 130ને પાર પહોંચ્યો હતો. ગયા રવિવારે જ શિયા અને સુન્ની વચ્ચે એક સપ્તાહ માટે શાંતિ કરારો થયા હતા, જોકે તે બાદ પણ હિંસા યથાવત છે. ખાસ કરીને કુર્રમ પ્રાંતમાં હિંસાની ઘટનાઓ વધી રહી છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી દેવાઇ છે. સાથે જ તમામ શૈક્ષણિક સંસ્થાઓને પણ બંધ કરવી પડી છે. ખૈબરમાં શિયા અને સુન્ની વચ્ચે જમીન મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. આ હિંસામાં 130થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે ઘાયલોની સંખ્યા 200ની નજીક પહોંચી ગઇ છે. જેને પગલે હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે.