ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડન્ટની એઇમ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરને આવેદન આપી રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની AIIMS હોસ્પિટલ અનેક વિવાદોમાં ઘેરાયેલી છે ત્યારે હવે નવી બેદરકારી છતી થઇ છે. રાજકોટ એઇમ્સમાં ફાયર એનઓસી વગર અનેક બિલ્ડિંગો કાર્યરત કરી દેવાય હોય દર્દીઓ માથે મોત ઝળુંબતું હોય હોસ્પિટલ પ્રશાસનિક અધિકારી અને મેડિકલ સુપરિન્ટેન્ડન્ટની જવાબદારી ફિક્સ કરી તાત્કાલિક ફાયર એનઓસી મેળવી મોટી દુર્ઘટના બનતી અટકાવવા પગલાં ભરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ગાયત્રીબા વાઘેલાએ એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવ્યું છે કે, દેશના આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ આજથી એક વર્ષ પહેલાં ’AIIMS’ લેબનું ઉદ્દઘાટન કર્યું હતું જે લેબ કાર્યરત છે, પરંતુ આજદિન સુધી ફાયર એનઓસી મેળવેલી નથી. જે અંગે જવાબદાર કોણ? રાજકોટ એઇમ્સનું જ્યાંથી સંચાલન થાય છે અને ડિરેક્ટરો સહિતના મોટા અધિકારીઓ જ્યાં બેસે છે તેવી એઇમ્સની એકેડેમિક બિલ્ડિંગને પણ સંપૂર્ણ બિલ્ડિંગનું ફાયર એનઓસી મળેલ નથી. એઈમ્સ ‘B બિલ્ડિંગ જ્યાં ફાયર એનઓસી વગર 50 બેડ સાથે દર્દીઓના જીવના જોખમે સારવાર ચાલુ છે ત્યારે ટીઆરપી અગ્નિકાંડ જેવી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ? એઇમ્સના આખી ’ઇ’ બિલ્ડિંગને ફાયર એનઓસી ન હોવા છતાં બિલ્ડિંગના ત્રીજા માળે દર્દીની સારવાર માટે મેડિકલ આઇસીયુ કાર્યરત છે જેમાં દર્દીઓ અને કર્મચારીઓના જીવના જોખમે 20 બેડનો ઉપયોગ થાય છે જો કોઇ ટીઆરપી અગ્નિકાંડ જેવી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ? એઇમ્સમાં ફાયર એનઓસી માટે કરવામાં આવેલા પત્ર વ્યવહારો અને કરેલા કાર્યવાહીની વિગતો નિયમ અનુસાર સાર્વજનિક કરી જાહેર કરવા માગણી કરવામાં આવી છે.
લેબ, એકેડેમિક બિલ્ડિંગ અને મેડિકલ આઇસીયુ કાર્યરત પણ ફાયર એનઓસી નથી
‘VRDL’ લેબ કાર્યરત પરંતુ ફાયર એનઓસી મેળવેલી નથી
એઇમ્સની એકેડેમિક બિલ્ડિંગને સંપૂર્ણ બિલ્ડિંગનું ફાયર એનઓસી મળ્યુ નથી
એઈમ્સ ‘B બિલ્ડિંગ’ જ્યાં ફાયર એનઓસી વગર 50 બેડ સાથે દર્દીઓની સારવાર થાય છે
‘B’ બિલ્ડિંગના ત્રીજા માળે 20 બેડનો મેડિકલ આઇસીયુ કાર્યરત