ગીર સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત નરાધમ આરોપીને ફાંસીની સજા
ગીર સોમનાથ પોલીસની પ્રશંસનીય કામગીરી, ફક્ત 25 દિવસમાં ચાર્જશીટ કરી
- Advertisement -
મૃતક બાળકીના પરિજનોને રૂા. 17 લાખનું વળતર ચૂકવવા અદાલતનો આદેશ
કોડીનાર પંથકની માસૂમ બાળા ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીને કોડીનાર કોર્ટે ફાંસીની સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. બે વર્ષ પહેલાંની ઘટનામાં એસપી જાડેજાએ સીટની રચના કરી 25 દિવસમાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના એક ગામે આજથી બે વર્ષ પહેલાં પોક્સો અંગેનો ગુન્હો નોંધાયો હતો. જે કેસ કોર્ટમાં ચાલી જતાં આરોપીને તકસિરવાન ઠરાવી દેહાતદંડ-ફાંસીની સજા અને રૂ.25 હજારનો દંડ ફરમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
12મી જૂન 2022ના રોજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની 8 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરી દેનાર નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ સજા અપાવવા પાછળ ગીર સોમનાથ પોલીસની કામગીરી અત્યંત પ્રશંસનીય રહી છે. પોલીસે ફકત 25 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં સબમીટ કરી દેતા અદાલતે ટૂંકા સમયમાં જ પોતાનો ચૂકાદો આપી દીધો હતો. આ પ્રકારની કડક કાર્યવાહી થકી ગુનાહિત માનસિકતા ધરાવતા તત્ત્વો સામે રાજ્ય સરકારે આવા નરાધમોને ચેતવણીનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
- Advertisement -
રાજ્યમાં બાળકીઓ પર થતાં દુષ્કર્મ અને હત્યા જેવા ગુનાઓ પર સદંતર અંકુશ લાવવા આવા નરાધમ તત્ત્વો સામે ખૂબ જ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આવા કેસોમાં ગુજરાત પોલીસને સઘન કાર્યવાહી કરવા આદેશો આપેલા છે. એટલું જ નહીં આ પ્રકારના ગંભીર અને સંવેદનશીલ કેસમાં બારીકાઈથી તપાસ હાથ ધરી તમામ આનુષાંગિક વૈજ્ઞાનિક અને સાંયોગિક પુરાવાઓ એકત્ર કરી દોષિતોને ફાંસી સુધીની સજા થાય તેવું ઈન્વેસ્ટીગેશન કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તાલુકાની 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને ત્યાર બાદ તેણીની હત્યાનો બનાવ બનતાં આ બનાવની ગંભીરતાને આધારે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગૃહરાજ્ય મંત્રીએ ઉચ્ચ પોલીસ અધિકારીની બનેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરી હતી.
આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતાં નરાધમને ફાંસીની સજા ફરમાવી છે, એટલું જ નહીં બાળકીના પરિવારને 17 લાખ વળતર ચૂકવવા આરોપીને આદેશ કર્યો છે. દુષ્કર્મ આચરનાર નરાધમને મળેલી કડક એવી ફાંસીની સજાથી માસૂમ દીકરીના પરિવારજનોને રાજ્ય સરકારે આપેલી બાંહેધરી અને ગૃહમંત્રીએ આપેલું વચન આજે પૂર્ણ થયું છે અને સાધુ સમાજની દીકરીને ન્યાય મળ્યો છે. આરોપીને 302ના ગુનામાં ફાંસીની સજા તેમજ 25000 દંડ અને 376 સહિતની વિવિધ કલમો હેઠળ આજીવન સજા ફરમાવતો ચુકાદો આપ્યો હતો. સાથો સાથ પીડિત પરિવારને વળતર પેટે રૂ.17 લાખ ચૂકવવાનો હુકમ કર્યો હતો. આ ચુકાદામાં આરોપીને ફાંસીની સજા મળતા ભોગ બનનારના પરિવારએ ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં SITની કરાઈ હતી રચના
ગીર જિલ્લા એસ.પી. મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોડીનાર પોલીસે મૃતકના પરિવારજનો ફરિયાદ આધારે કલમ- 302, 376 (2)(જે), 376(2)(એમ), 376 (એ.બી.), 376(એ) તથા પોક્સો એક્ટ કલમ-4.6.10 મુજબ ગુનો નોંધીને આરોપીને તરત જ ઝડપી લીધો હતો. જોકે આ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ રેન્જના માર્ગદર્શન હેઠળ તપાસના કામે સીટની રચના કરી જેના અધ્યક્ષસ્થાને પોલીસ અધિક્ષક ગીર સોમનાથ મનોહરસિંહ જાડેજા તથા સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગના ઓમ પ્રકાશ જાંટ તથા પી આઇ એ.એમ મકવાણા અને સંદીપસિંહ ચુડાસમા સહિત અધિકારીઓની ટીમ બનાવી આરોપીને પકડી પાડ્યો હતો.