ખાસ-ખબર સંવાદદાતા
હળવદને અડીને આવેલ કચ્છના નાના રણને ઘુડખર અભ્યારણ્ય તરીકે રક્ષિત કરવામાં આવ્યું છે જ્યાં પ્રવાસીઓ ઘુડખર અને યાયાવર પક્ષીઓ નિહાળવા આવતા હોય છે ત્યારે હળવદના માલણીયાદની સીમમાંથી રક્ષિત પ્રાણી ઘુડખરનો મૃતદેહ મળી આવ્યો છે જેથી વન્ય જીવોની સલામતી સામે સવાલો ઉભા થયા છે. હળવદ તાલુકાના માલણીયાદ ગામની ખારી નદીમાં આડી નદી કહેવાતા વિસ્તારમાંથી રક્ષિત પ્રાણી ઘુડખરનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે અહીં આવેલ અભ્યારણ્ય વિસ્તારમાં ઘુડખરનુ મોત થતા વન્ય જીવોની સલામતી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ બનાવ અંગે જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને મોતનું કારણ જાણવા ઘુડખરનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં જવાબદાર તંત્ર દ્વારા પણ ચેકિંગ મામલે ઉદાસીન વલણ દાખવવામાં આવતું હોય તેવા આક્ષેપો પણ અવારનવાર થતા રહે છે ત્યારે રક્ષિત વિસ્તરમાં ઘુડખરનું મોત કેવી રીતે થયું તેની સઘન તપાસ કરવી જોઈએ તેમજ તંત્ર યોગ્ય પેટ્રોલીંગ કરી વન્ય જીવોને સલામતી આપવામાં આવે તેવી માંગ પણ પર્યાવરણ પ્રેમીઓ કરી રહ્યા છે.
હળવદનાં માલણિયાદની સીમમાં રક્ષિત પ્રાણી ઘુડખરનું મોત
