30 અને 31 જુલાઈ સુધી સ્ટોલ- પ્લોટ મેળવવા માટેના ફોર્મ ભરીને પરત આપી શકાશે
ટિકિટના રૂપિયા 45થી વધારી રૂપિયા 50 કરી દેવામાં આવ્યા: 34 રાઈડની હરાજીથી તંત્રને 1.32 કરોડની કમાણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે 14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળામાં બાકી રહી ગયેલા સ્ટોલ/પ્લોટ મેળવવા માટેની મુદતમાં બે દિવસનો વધારો કરાયેલ છે. જે મુજબ કેટેગરી -અ (ખાણીપીણી મોટી) અને કેટેગરી-ઇ1 કોર્નર (ખાણીપીણી) ના સ્ટોલ/પ્લોટ માટેની હરરાજી તથા કેટેગરી-ડ (આઈસ્ક્રીમ) કેટેગરી-ઇ (બી-રમકડા)ના સ્ટોલ/પ્લોટ માટેના ડ્રો માટે નવા ફોર્મ ભરવા ઈચ્છુક તથા અગાઉ ફોર્મ પરત કરવા રહી ગયેલ હોય, તેઓ તા. 30 અને 31 જુલાઈના રોજ કચેરી સમય દરમ્યાન ફોર્મ મેળવી તથા ભરીને પરત આપી શકશે. ઉપરોકત કેટેગરીમાં વહીવટી અનુકુળતા મુજબ ફેરફાર કરી શકાશે, તેની તમામ સબંધકર્તાઓએ નોંધ લેવા લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટ(શહેર-1)ની યાદીમાં જણાવાયું છે. ચકરડી સંચાલક હનીફભાઈએ જણાવ્યું હતું કે, અમે 157 જેટલી ચકરડી માટે ફોર્મ ભર્યા છે. ગત વર્ષે 52 જેટલા પ્લોટ ફાળવવામાં આવ્યા હતા જેના સ્થાને આ વખતે આ 15 જેટલા પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. જેથી 52 પ્લોટ રાખવામાં આવે તેવી અમારી માગણી છે. સાતમ-આઠમે ચકરડી વાળાઓ માટે બોનસ સમાન હોય છે. જો 52ના બદલે 15 ચકરડી ધારકોને વેપાર કરવા મળશે તો અન્ય નાના ચકરડી ધારકોને નુકસાન જશે. આ સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે, આ વર્ષે ભાવ પણ વધારી લખવામાં આવેલો છે. ગત વર્ષે 12 હજાર આસપાસ પ્લોટનો ભાવ હતો. આ વર્ષે ભાવ વધારો કરી 15 હજાર અને 25 હજાર કરવામાં આવ્યો છે.