ઇઝરાયલ-હમાસ યુદ્ધનો એક મહિનો
ખાસ-ખબર સંવાદદાતા
ઇઝરાયલ-હમાસ યુદ્ધને આજે એક મહિનો પૂર્ણ થયો છે. યુદ્ધમાં 1400થી વધુ ઇઝરાયલ લોકો માર્યા ગયા હતા. ગાઝામાં 9700થી વધુ પેલેસ્ટિનિયનો મૃત્યુ પામ્યા. ઇઝરાયલના હુમલામાં માર્યા ગયેલાઓમાં મોટાભાગનાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલાં બાળકોની સંખ્યા 4800 આસપાસ છે. 30 ઓક્ટોબર એ યુદ્ધનો 24મો દિવસ હતો. આ દિવસે ઇઝરાયલી સેનાએ ગાઝામાં ગ્રાઉન્ડ હુમલા શરૂ કર્યા હતા. આ પહેલા ઇઝરાયલ ગાઝામાં હવાઈ હુમલા કરી રહ્યું હતું. ગ્રાઉન્ડ એટેકના પહેલા દિવસે સેનાએ કહ્યું હતું કે તે હમાસનાં 300 ઠેકાણાઓને નષ્ટ કરશે. ત્યારથી તે હમાસના ટનલ નેટવર્કને નષ્ટ કરી રહ્યું છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધના 25મા દિવસે 31મી ઓક્ટોબરે ઇઝરાયલી સેનાએ ગાઝાના સૌથી મોટા શરણાર્થી કેમ્પ – જબાલિયા પર હુમલો કર્યો. 1.16 લાખ લોકોએ અહીં આશ્રય લીધો હતો. આ હુમલામાં 195 લોકો માર્યા ગયા હતા. આ પછી, 5 નવેમ્બરના રોજ, ઇઝરાયલની સેનાએ 24 કલાકમાં ત્રણ શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યો. સૌથી મોટા જબાલિયા કેમ્પ પર ત્રીજા હુમલા બાદ ઇઝરાયલે અલ-બુરીજ અને મગાજી કેમ્પ પર હુમલો કર્યો. સૌથી મોટા જબાલિયા કેમ્પમાં 1.16 લાખ લોકોએ આશરો લીધો છે. તે જ સમયે, 46 હજાર શરણાર્થીઓ અલ બુરેઝમાં અને 33 હજાર શરણાર્થીઓ મગાજીમાં રહે છે.
- Advertisement -
પ્રથમ દિવસે 2500 હમાસ આતંકીઓ ઇઝરાયલમાં ઘૂસ્યા અને ઇઝરાયલે 7 કલાકમાં જ જવાબી કાર્યવાહી શરૂ કરી
તારીખ- 7મી ઓક્ટોબર, સમય- સવારે 6:30 કલાકે. નોવા મ્યુઝિક ફેસ્ટ ઇઝરાયલના બોર્ડર વિસ્તાર કિબુટ્ઝ રીમમાં ચાલી રહ્યો હતો. પહેલો હુમલો અહીં થયો હતો. ફેસ્ટ માટે એકઠા થયેલા હજારો લોકોએ આકાશમાં ગાઝા પટ્ટીમાંથી છોડેલા રોકેટ જોયા. આ દરમિયાન હમાસના આતંકવાદીઓ પેરાગ્લાઈડર, બાઇક અને કાર દ્વારા ઇઝરાયલની સીમામાં પ્રવેશી રહ્યા હતા. લગભગ 2500 આતંકવાદીઓ બુલડોઝર વડે સીમાની વાડ તોડીને દેશમાં ઘૂસ્યા હતા. આતંકવાદીઓ તે જ દિવસે ગાઝા પરત ફર્યા હતા. ઑક્ટોબર 7ના રોજ બપોરે, ઇઝરાયલના વડાપ્રધાને હમાસ સામે યુદ્ધની ઘોષણા કરી. આ પછી ઇઝરાયલે ગાઝા પર બોમ્બમારો શરૂ કર્યો. ઇઝરાયલે સમગ્ર ગાઝા પર હુમલા કર્યા. હોસ્પિટલો, શાળાઓ, રહેણાક વિસ્તારોમાં બોમ્બ પડ્યા હતા. યુદ્ધના પહેલા સપ્તાહમાં ગાઝાના 1700 લોકો માર્યા ગયા હતા.
ગાઝાનાં 900 વર્ષ જૂનાં ચર્ચ પર હુમલો થયો
20 ઓક્ટોબરના રોજ, યુદ્ધના 14મા દિવસે, ઇઝરાયલી સેનાએ ગાઝામાં સૌથી જૂના ગ્રીક ઓર્થોડોક્સ સેન્ટ પોર્ફિરિયસ ચર્ચ પર હુમલો કર્યો. આ ચર્ચ લગભગ 900 વર્ષ જૂનું હતું. તે 1150ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું. યુદ્ધ દરમિયાન, ઘણા મુસ્લિમો અને ખ્રિસ્તીઓએ આ ચર્ચની અંદર આશરો લીધો હતો.