બાંધકામની ઝડપી કામગીરી કરવા અધિકારીઓ અને એજન્સીને આદેશ : ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદ
આત્મનિર્ભર ગામ, સશક્ત અને સમર્થ ગામની પરીકલ્પનાને સાકાર કરવા સતત કાર્યરત : પ્રવિણાબેન રંગાણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી અને ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદે રાજકોટ જિલ્લા પંચાયત ભવનના નવાભવન ના નિર્માણની કામગીરીનું બાંધકામ વિભાગના અધિકારીઓ અને કામ રાખનાર એજન્સીના જવાબદાર વ્યક્તિઓને સાથે રાખીને નિરીક્ષણ કર્યું. આ મુલાકાત દરમિયાન પ્રમુખ અને ડીડીઓ દ્વારા હાલમાં ચાલી રહેલી બાંધકામની કામગીરીની ગુણવત્તા ચકાસી અને બાંધકામની ગુણવત્તા જાળવી રાખી સમયસર કામગીરી પૂર્ણ કરવા અને ઉપયોગમાં લેવામાં આવતા રો-મટિરિયલની પણ તપાસ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
- Advertisement -
આ ઉપરાંત હાલમાં ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટરને બાંધકામ કરનાર કર્મચારીઓ અને મજૂરોની સેફટીને ધ્યાનમાં લઈ સેફટીના પૂરતા પગલાં લેવા અને મજૂરોને પણ સેફ્ટીના નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે સૂચના આપી હતી. રૂ.36.17 કરોડના ખર્ચે ચાર માળનાં નિર્માણ પામી રહેલા અને ગત ડિસેમ્બર માસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવેલા ગુજરાતના બીજા નંબરના આ નવા સ્ટેટ ઓફ ધી આર્ટ ભવનનું અદ્યતન બાંધકામ કુલ 14,000 ચોરસ મીટર વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. જે સંપૂર્ણ તમામ આધુનિક સુવિધાઓ અને ટેકનોલોજીથી સજ્જ હશે. આ મુલાકાત દરમ્યાન કાર્યપાલક ઇજનેર એસ.આર.પટેલ તથા નાયબ કાર્યપાલક ઈજનેર શિવાંગ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યુ હતું કે પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખામાં જિલ્લા પંચાયત સૌથી મોખરાના સ્તરે આવે છે. ત્યારે ગ્રામીણ વિકાસ, આત્મનિર્ભર ગામ, સશક્ત અને સમર્થ ગામની પરીકલ્પનાને સાકાર કરવા સતત કાર્યરત છે અને ગામડાઓને આધુનિક સુવિધાઓ સાથે આત્મનિર્ભર, સશક્ત, સમૃધ્ધ અને સક્ષમ બનાવવા વિવિધ જન કલ્યાણકારી યોજના અસરકારક બનાવી અમલમાં મુકી છે અને જન જન સુધી પહોંચાડી છે. તથા પંચાયતી રાજ વ્યવસ્થાને આધુનિક બનાવી ગ્રામ્ય વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસને નવી દિશા પંચાયતીરાજ સંસ્થાઓનો વિકાસ કરી ને આપી છે.