‘લોકશાહી કેદમાં’: કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ પર પીએમ નરેન્દ્ર મોદીનો પ્રહાર
પીએમ મોદીએ કટોકટીને ભારતના લોકશાહી ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંનો એક ગણાવ્યો
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે X પર પોસ્ટ કરી હતી કે, આજે ભારતના લોકતંત્રના ઈતિહાસમાં સૌથી કાળા અધ્યાયો પૈકી એક કટોકટીને 50 વર્ષ પૂરા થયા છે. દેશના લોકો આ દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે માને છે. આ દિવસે ભારતના બંધારણના મૂલ્યોની અવગણના કરવામાં આવી હતી. મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરી પ્રેસની સ્વતંત્રતા ખતમ કરવામાં આવી હતી. અનેક રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ, અને સામાન્ય નાગરિકોને જેલ ભેગા કર્યા હતા. તે સમયે શાસન કરી રહેલી કોંગ્રેસ સરકારે લોકતંત્રને બંધક બનાવ્યું હતું.
કોંગ્રેસને લોકશાહી પુનઃસ્થાપિત કરવી પડી
વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમે કટોકટી વિરૂદ્ધ લડાઈમાં અડગ રહેનારા દરેક વ્યક્તિને સલામ કરીએ છીએ. આખા ભારતમાંથી, દરેક ક્ષેત્રમાંથી, અલગ-અલગ વિચારધારાઓમાંથી લોકો આવ્યા હતાં. જેમનો એક જ ઉદ્દેશ હતો એકબીજા સાથે મળીને કામ કરવું. ભારતના લોકશાહી ઢાંચાની રક્ષા કરવી અને તેના આદર્શોને જાળવી રાખવા. તેના માટે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આ તેમનો સામૂહિક સંઘર્ષ હતો. જેના લીધે તે સમયની કોંગ્રેસ સરકારે લોકશાહીની પુનઃસ્થાપના કરવી પડી. નવેસરથી ચૂંટણી કરાવવી પડી અને તેમાં કારમી હારનો સામનો કર્યો.
- Advertisement -
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આપણે આપણા બંધારણના સિદ્ધાંતોને મજબૂત કરવા અને વિકસિત ભારતના સપનાને સાકાર કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. અમે નવા વિકાસની ઊંચાઈઓએ પહોંચ્યા છીએ. ગરીબ અને વંચિતોનું સપનું પૂરુ કરીએ.
કટોકટીના અનુભવો દર્શાવતા પુસ્તકનું અનાવરણ કરશે
વડાપ્રધાન મોદી કટોકટી દરમિયાન યુવાવસ્થામાં હતા. આ દરમિયાન તેમણે પોતાની ભૂમિકા અને પોતાના મિત્રોના અનુભવોના આધારે એક પુસ્તક લખ્યું છે. જેનું અનાવરણ આજે સાંજે ગૃહમંત્રીના હસ્તે થશે. બ્લૂક્રાફ્ટ પબ્લિકેશન તરફથી પ્રસારિત પુસ્તકનું નામ ‘ધ ઈમરજન્સી ડાયરીઝ- યર્સ ધેટ ફોર્જ્ડ અ લીડર’ છે.