મોરબી જેવી દુર્ઘટના હળવદમાં સર્જાશે ત્યારે તંત્ર જાગશે ?
મૌન બનીને તમાશો નિહાળતી હળવદ નગરપાલિકા !
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ શહેરમાં સરા ચોકડીએ મોટા મોટા હોર્ડિંગ લગાવવામાં આવી રહ્યાં છે. આશરે ત્રીસેક ફુટ ઉંચા જોખમી હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. છેલ્લા એક મહિનાથી હોર્ડિંગ્સ લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ નિંદ્રાધીન તંત્ર આ બાબતથી સાવ અજાણ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આટલા ઉંચા હોર્ડિંગ્સથી અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ ? શું અકસ્માત સર્જાયા બાદ જ તંત્ર કાર્યવાહી કરશે ? મોરબીમાં થોડા સમય પહેલા જ ઝૂલતો પૂલ તૂટવાની ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા ત્યારે હવે હળવદમાં પણ ઉંચા ઉંચા હોર્ડિંગ્સોને કારણે કોઈ અકસ્માત થાય તો નવાઈ નહીં. હળવદ શહેરની સરા ચોકડી પાસે આશરે ત્રીસેક ફુટ ઉંચા હોર્ડિંગ્સ લાગેલા જોવા મળી રહ્યાં છે અને આ કામગીરી છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યાંનું જાણવા મળ્યું છે પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. જોકે હંમેશા કોઈ દુર્ઘટના બને ત્યારબાદ જ તંત્રને આંખો ફૂટતી હોય છે ત્યારે અહીં સવાલ એ થાય કે, આવા ઉંચા અને જોખમી હોર્ડિંગ્સથી કોઇ અકસ્માત કે જાનહાની થશે તો જવાબદાર કોણ ? શું અકસ્માત કે દુર્ઘટના સર્જાયા બાદ જ કામગીરી કરવા તંત્ર ટેવાયેલું છે ? કે પછી કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા કાર્યવાહી કરવામાં આવશે ? જોકે આ બાબતે ચીફ ઓફિસર પંકજ બારોટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા કોઈપણ જાતના હોર્ડિંગ્સ લગાવવા માટે મંજૂરી આપવામાં આવી નથી.
- Advertisement -
નગરપાલિકાની મંજૂરી વગર હોર્ડિંગ્સ ખડકી દેવાયા !
આ બાબતે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ જાતના હોર્ડિંગ્સ લગાવવા માટે નગરપાલિકા દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી નથી તો પ્રશ્ન એ થાય છે કે, નગરપાલીકા દ્વારા કોઈ મંજૂરી આપવામાં નથી આવી તો નગરપાલીકા દ્વારા આવા જોખમી હોર્ડિંગ્સ હટાવવામાં કેમ નથી આવતા ? જોખમી હોર્ડિંગ્સ કોન્ટ્રાક્ટરો સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ? તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.