ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ ગિરનારની ગોદમાં આવેલી લીલી પરિક્રમાના મુખ્ય માર્ગ પર ડેરવાણ ગામ પાસે આવેલો રોલેશ્વર નદી પરનો બેઠું પુલિયું (નાનો પુલ) ધરાશાયી થઈ જતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિક્રમાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પુલના ભંગાણથી સનાતન ધર્મની પરંપરાઓ અને પરિક્રમાના આયોજન પર ગંભીર અસર પડી છે. જાંબુડી થાણા, હસનાપુર ડેમ અને જીણાબાવાની મઢી તરફ જવા માટે આ પુલ મુખ્ય માર્ગ હતો. પુલ ધરાશાયી થવાથી, પરિક્રમા માટે જરૂરી માલ-સામાન અને અનાજ વગેરે લઈ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક સનાતની સમાજ અને પરિક્રમા પ્રેમીઓએ આ બાબતે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમની માંગણી છે કે, પરિક્રમાના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે જ આ પુલનું તૂટી જવું એ માત્ર સંયોગ નથી. લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે, ગિરનારમાં સનાતનીઓને જતાં રોકવા માટે આ કોઈ સુનિયોજિત કાવતરું તો નથી ને? લોકોની ઉગ્ર માંગ છે કે, વન વિભાગ કે જે વિભાગના હસ્તક આ પુલિયું આવતું હોય, તેમણે આ બાબતની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. પરિક્રમાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને, અવરજવરમાં સરળતા રહે તે માટે આ પુલને વહેલી તકે અને યુદ્ધના ધોરણે રીપેર કરી દેવો જોઈએ.
ગિરનાર પરિક્રમાના માર્ગ પર જોખમ: ડેરવાણ નજીક રોલેશ્ર્વર નદી પરનો પુલ ધરાશાયી થતાં તાત્કાલિક રીપેરિંગ કરવા માંગ
