મુંબઈ-આગરા રાજમાર્ગ પરનો ટ્રાફીક રોકી દેવાયો : ડેમમાં લીકેજ બાદ પાણીનો પ્રવાહ વધવા લાગ્યો : એનડીઆરએફ તથા આર્મીના એન્જીનીયરો દ્વારા મરામતની કામગીરી શરૂ
મધ્યપ્રદેશમાં કારમ નદી પર નિર્માણાધીન વિશાળ ડેમમાં આજે સવારે તિરાડ પડતા અને પાણી વહેવા લાગતા ધાર-ધામનોદ માર્ગ પર પાણી ફરી વળતા આ ડેમના નિચાણવાળા 12 ગામો તાબડતોબ ખાલી કરાવવામાં આવ્યા છે તથા હજારો લોકોને નજીકના સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી યુધ્ધના ધોરણે શરુ કરવામાં આવે છે.
- Advertisement -
ગઇકાલથી જ આ ડેમમાં તિરાડમાંથી પાણી વહેવાનું શરુ થયું હતું અને આજે સવારે ડેમ તૂટવાની શક્યતા વધતા જ સવારથી વિશાળ સંખ્યામાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડવાનું શરુ કરાયું છે. આ ઉપરાંત મુંબઈ-આગરા રાષ્ટ્રીય રાજમાર્ગ પણ આ ક્ષેત્રમાં બંધ કરી દેવાયો છે તથા તમામ વાહનોનું આવાગમન રોકી દેવાયું છે. જો કે 2000થી વધુ વાહનો આ ટ્રાફીક જામમાં ફસાયા છે અને બાદમાં તેમાં પ્રવાસ કરી રહેલા લોકોને સલામત કરવા માટે પણ કામગીરી ચાલુ કરવામાં આવી છે. તો ડેમના રિપેરીંગ માટે એનડીઆરએફની 40 સભ્યોની ટીમ પહોંચી ગઇ છે
તથા વધુ કામગીરી માટે લશ્કરના એન્જીનીયરોને પણ બોલાવાયા છે. 500 મીટર લાંબા અને 52 મીટર ઉંચા આ ડેમમાં નિર્માણ સમયે જ ક્ષતિ રહી હતી અને તેનું 75 ટકા કામ પુરું થયા બાદ તેમાં ગઇકાલ બપોરથી જ ઓચિંતુ પાણીનું લીકેજ શરુ થયું હતું અને ધીમે-ધીમે તે મોટો પ્રવાહ બનીને આસપાસના વિસ્તારોમાં પહોંચવા લાગતા તંત્ર એલર્ટ થઇ ગયું હતું અને મોડી રાતથી રીપેરીંગ કામ શરુ કરવામાં આવ્યું હતું. રુા. 175 કરોડના ખર્ચે બની રહેલા ડેમમાં હવે પાણીને અન્ય માર્ગે વાળવાની કામગીરી પણ શરુ કરાઈ છે. તથા અનેક ગામો ખાલી કરાવીને જો ડેમ ફાટે તો જાનહાની ન સર્જાય તે જોવાઇ રહ્યું છે.