માધવપુરનો લોકમેળો: એક સાંસ્કૃતિક વિરાસત: પૂર્વોત્તર અને ગુજરાતની કલા સંસ્કૃતિના સંગમનું સાક્ષી બનતું સોમનાથ, મેળા અને ઉત્સવો એ ભારતીય સંસ્કૃતિના અભિન્ન હિસ્સા: પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
માધવપુર ખાતે તા.6 થી 10 એપ્રિલ સુધી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્મિણી વિવાહના ઉપલક્ષ્યમાં પરાપૂર્વથી યોજાતા પરંપરાગત મેળાના સંદર્ભમાં ’એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ આ અવસરે જણાવ્યું કે, મેળા અને ઉત્સવો એ ભારતીય સંસ્કૃતિના અભિન્ન હિસ્સા છે. પરાપૂર્વથી ભારતીય સંસ્કૃતિમાં મનપાંચમનો મેળા તરીકે ઓળખાતા ઉત્સવો અને લોકમેળાઓનું અનોખું મહાત્મ્ય રહ્યું છે. જૂનાગઢનો શિવરાત્રિનો મેળો, સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો, તરણેતરનો મેળો, છોટાઉદેપુરનો ક્વાંટના મેળા સહિત રાજ્યમાં 1500થી વધુ મેળાઓનું આયોજન થાય છે. આ મેળાઓ વિવિધ સંસ્કૃતિઓને એકમેકથી જોડવાનું માધ્યમ બની રહ્યાં છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્મિણીના મંગલ પરિણયના સ્થાન એવા માધવપુર ખાતે આવતીકાલે આ ભવ્ય લોકમેળાની શરૂઆત થવાની છે. ચાર દિવસ મેળો ચાલ્યા બાદ પાંચમા દિવસે દ્વારકા ખાતે ભગવાનનું સત્કાર મહોત્સવ ફરી યોજાવાનો છે.
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પ્રવાસન વિભાગની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યો; અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડ એમ પૂર્વોત્તર રાજ્યોના 200 તથા ગુજરાતના 200 એમ કુલ 400 કલાકારોએ કલાના કામણ થકી પોતાની સાંસ્કૃતિક વિરાસતો અને ધરોહરસભર કલાનૃત્યો રજૂ કર્યા હતાં. ગુજરાતના કલાકારોએ ગરબો, ટ્રાઈબલ નૃત્ય, સુરેન્દ્રનગરનો રાસ, છોટાઉદેપુરનું રાઠવા, ડાંગી રાસ, મંજીરા રાસ, મિશ્ર રાસ, પોરબંદરના ઢાલ તલવાર અને મણિયારો, હુડો રાસ અને ટીમલી નૃત્ય રજૂ કર્યા હતાં.