જિલ્લા કલેક્ટર ધાનાણી તથા પાલિકા કમિશનર પ્રજાપતિએ લીલી ઝંડી બતાવી કરી શરૂઆત
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
રાજ્ય સરકારના વિકાસ વર્ષ-2025 અને વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોરબંદર શહેરમાં ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ સાયકલોથોનને જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, મહાનગરપાલિકાના કમિશનર એચ.જે. પ્રજાપતિ, જિલ્લા રમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, તેમજ શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના હર્ષિતભાઈ રુઘાણીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાયકલોથોન શહેરના કનકાઈ માતાજી મંદિરથી શરૂ થઈ એસપી કચેરી રોડ, નવા અને જૂના ફુવારા, તેમજ વાઘેશ્વરી પ્લોટ જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પૂર્ણ થઈ હતી. વહેલી સવારે યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાયકલ પ્રેમીઓ, વિદ્યાર્થીઓ તેમજ રમતપ્રેમી નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરમાં વિકાસ સપ્તાહ દરમિયાન અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.
શહેરમાં સ્વચ્છતા, આરોગ્ય, પર્યાવરણ જાગૃતિ અને શહેરી વિકાસ જેવા વિષયો પર પણ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાયેલ આ સાયકલોથોનનો મુખ્ય હેતુ નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ પહોંચાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના અધિકારીઓની હાજરીથી શહેરમાં વિકાસ સપ્તાહના આ કાર્યક્રમને વિશેષ પ્રતિસાદ મળ્યો હતો.