દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાના કેટલાક ભાગોમાં ગયા અઠવાડિયે તોફાનો અને ચક્રવાતો દ્વારા નુકસાન થયું છે.
એશિયાના ઘણાં દેશ છેલ્લાં થોડા સમયથી કુદરતના કોપનો સામનો કરી રહ્યા છે. દિતવાહ, કોટો ચક્રવાત સેન્યાર જેવા ઉષ્ણ કટિબંધીય વાવાઝોડાને કારણે થયેલા ભારે વરસાદથી ઇન્ડોનેશિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, વિયેતનામ અને મલેશિયામાં ભારે વરસાદ સાથે પૂરપ્રકોપ સહન કરી રહ્યા છે. આ કુદરતી દુર્ઘટનામાં 40 લાખ જેટલા લોકો પ્રભાવિત થયા છે, 1,000 થી વધુ લોકો માર્યા ગયા છે અને સેંકડો ગુમ છે. શું આ જળ અરાજકતા માટે ક્લાઈમેટ ચેન્જ જવાબદાર છે?
- Advertisement -
ઈન્ડોનેશિયામાં અસામાન્ય ચક્રવાત સર્જાયો
દિતવાહ, કોટો અને સેન્યાર જેવા ઉષ્ણ કટિબંધીય તોફાનો આ દેશોમાં અતિવૃષ્ટિ લાવ્યા છે. હવામાન વિજ્ઞાનીઓ માને છે કે ફિલિપાઈન્સની નજીક સક્રિય કોટો અને મલક્કા સમુદ્રદ્વારમાં ઊભો થયેલું ચક્રવાત સેન્યાર, આ તીવ્ર હવામાન ઘટનાઓ માટે જવાબદાર હોઈ શકે છે. ઈન્ડોનેશિયન હવામાન સંસ્થા મુજબ મલક્કા સમુદ્રદ્વારમાં ચક્રવાતનું સર્જન ‘અસામાન્ય’ ઘટના છે કેમ કે વિષુવવૃત્તની નજીક ઇન્ડોનેશિયાનું સ્થાન એવું છે જે સૈદ્ધાંતિક રીતે ઉષ્ણ કટિબંધીય ચક્રવાતોના નિર્માણ થવાની કે ત્યાંથી પસાર થવાની સંભાવના ઓછી બનાવે છે. જો કે, છેલ્લા પાંચ વર્ષમાં ઘણાં ઉષ્ણ કટિબંધીય ચક્રવાતો ઇન્ડોનેશિયા તરફ આગળ વધ્યા છે અને તેમની નોંધપાત્ર અસરો થઈ છે.
કુદરતી આફતો માટે ક્લાઈમેટ ચેન્જ જ જવાબદાર
- Advertisement -
હવામાન નિષ્ણાતો સૂચવે છે કે અશ્મિભૂત ઇંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલ, કોલસો વગેરે બળવાથી ગ્રીનહાઉસ વાયુઓમાં વધારો થઈ રહ્યો છે, દિવસે દિવસે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, મહાસાગરોના જળપ્રવાહ ગરમ થઈ રહ્યા છે, જેને લીધે ઉષ્ણ કટિબંધીય ચક્રવાતો વધુ શક્તિશાળી બની રહ્યા છે. સમુદ્ર જેટલો ગરમ થશે તેટલું વધારે બળતણ ચક્રવાતોને મળશે. ચક્રવાતો બેહિસાબ વરસાદ લઈ આવશે, જેને લીધે પૂરની ખાનાખરાબી સર્જાશે. એશિયામાં હાલમાં એ જ થઈ રહ્યું છે. આમ, હાલ તો ક્લાઈમેટ ચેન્જના કારણે જ કુદરતનો પ્રકોપ વધ્યો છે એવું ના કહી શકાય, પરંતુ તેની શક્યતા પૂરેપૂરી છે.
આ રીતે ગરમ થતું સમગ્ર વાતાવરણ જ વૈશ્વિક જળચક્રને ‘સુપરચાર્જ’ કરી રહ્યું છે. પરિણામે, મહત્તમ વરસાદનો આંકડો સતત વધી રહ્યો છે. ઓછા સમયમાં વધુ વરસાદ પડે છે, ત્યારે અચાનક આવતા પૂર (Flash Flooding)ની સંભાવના અનેકગણી વધી જાય છે. આ ફેરફાર સીધેસીધો માનવ વસાહતો અને માળખાગત સુવિધા માટે મોટું જોખમ ઊભું કરે છે.
ઈન્ડોનેશિયામાં સર્જાયો વ્યાપક વિનાશ
ઈન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલનથી થયેલા મૃત્યુની સંખ્યા 442 સુધી પહોંચી ગઈ છે, અને સેંકડો લોકો લાપતા છે. લગભગ 3 લાખ લોકો વિસ્થાપિત છે અને 3,000થી વધુ ઘરોને નુકસાન થયું છે. 2018ના ભૂકંપ અને સુનામી પછી આ સૌથી મોટી કુદરતી આફત છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોની સરકાર પીડિતોને તાત્કાલિક સહાય પહોંચાડવામાં કાચી પડી રહી હોવાથી તેના પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાનું દબાણ બની રહ્યું છે.
થાઇલેન્ડમાં એક દાયકાનું સૌથી ભીષણ પૂર
થાઇલેન્ડમાં આવેલા ભયંકર પૂરથી 170થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. સોંગખલા પ્રાંતમાં સૌથી વધુ 131 મૃત્યુ નોંધાયા છે. હાટ યાઈ શહેરમાં 21 નવેમ્બરના રોજ 372 મિલીમીટર વરસાદ પડ્યો હતો, જે 300 વર્ષમાં એક દિવસમાં પડેલા સૌથી વધુ વરસાદનો રેકોર્ડ હતો. થાઈ સેના ડ્રોન, હેલિકોપ્ટર અને હોડીઓ દ્વારા ફસાયેલા લોકોને બચાવવા અને સહાય પહોંચાડવાના કામમાં જોડાઈ છે.
શ્રીલંકામાં કટોકટીની જાહેરાત કરાઈ
દિતવાહ વાવાઝોડાના કારણે શ્રીલંકામાં આવેલા પૂર અને ભૂસ્ખલન પછી કટોકટી જાહેર કરાઈ છે. 334 લોકો મૃત્યુ પામ્યા છે અને 400થી વધુ લોકો ગુમ છે. શ્રીલંકાએ બે દાયકામાં અનુભવેલી આ સૌથી ભયંકર કુદરતી આપત્તિ છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તેણે આંતરરાષ્ટ્રીય સહાય માટે હાકલ કરવી પડી છે. ભારત સરકારે શ્રીલંકાને રાહત સામગ્રી સહિતની સહાય પહોંચાડી છે અને વધુ મદદની તૈયારી જાહેર કરી છે.
મલેશિયા-વિયેતનામમાં પણ હજારો વિસ્થાપિત અને તારાજી
મલેશિયામાં ચક્રવાત સેન્યારથી મોટા પાયે નુકસાન થયું છે. બે મૃત્યુ નોંધાયા છે અને હજારો લોકોના ઘર તૂટી જતા વિસ્થાપિત થઈ ગયા છે. વિયેતનામમાં કોટો વાવાઝોડાને પગલે ભારે વરસાદ પડ્યો છે, જેને લીધે ત્યાંના ઐતિહાસિક સ્થળો અને પ્રવાસન ક્ષેત્રો પાણીમાં ડૂબી ગયા છે. ત્રણ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગુમ થઈ છે.




