ઇન્ડિયન સાઇબરક્રાઇમ કોર્ડિનેશન સેન્ટરે 15 એડ્સ કાઢવા નોટિસ આપી: આઇટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાનો ભંગ ગણાવાયો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.10
- Advertisement -
ઇન્ડિયન સાઇબરક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર (ઈં4ઈ) દ્વારા ગુગલના એડ્સ ટ્રાન્સપરન્સી પ્લેટફોર્મ પર ચાલી રહેલી લગભગ 15 જેટલી એડ્સને તાત્કાલિક દૂર કરવા માટે ફરમાન જારી કરવામાં આવ્યું છે. સાઇબરક્રાઇમ દ્વારા આ એડ્સ પર વિરોધ ઉઠાવવામાં આવ્યો છે કારણ કે તેમાં વર્ક-ફ્રોમ-હોમ સ્કીમ હેઠળ પેન્સિલ પેકિંગના કામની જાહેરાત આપવામાં આવી હતી. આ ઓફરને કાઢવા માટે ગુગલને 28 નવેમ્બરના રોજ નોટિસ મોકલવામાં આવી હતી.
છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી: સાઇબરક્રાઇમ દ્વારા વાંધો ઉઠાવવાનું મુખ્ય કારણ એ છે કે આ એડ્સમાં યુઝરને ઘરે બેઠા કામ કરીને મહિનાના ₹30,000 થી ₹40,000 નો પગાર ચૂકવવાની લાલચ આપવામાં આવી રહી હતી. ઈં4ઈ અનુસાર, આ એક ખોટી એડ હતી જેના દ્વારા લોકોને આકર્ષવામાં આવતાં હતાં અને ત્યારબાદ તેમની સાથે નાણાકીય છેતરપિંડી કરવામાં આવતી હતી. આ છેતરપિંડી કરનારાઓ રજિસ્ટ્રેશનના નામે લોકો પાસેથી પૈસા પડાવી લેતા હતા અને હિન્દુસ્તાન પેન્સિલ પ્રાઇવેટ લિમિટેડ જેવી મોટી કંપનીઓના નામનો ઉપયોગ કરીને લોકોને લોભવતા હતા, જોકે તે કંપની દ્વારા આવી કોઈ એડ આપવામાં આવી નહોતી.
નિયમોનો ભંગ અને કાર્યવાહી: ઇન્ડિયન સાઇબરક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પ્રકારની એડ્સ દ્વારા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 નો અને ભારતીય ન્યાય સંહિતાનો પણ ભંગ કરવામાં આવ્યો છે. સરકારી એજન્સીએ આ નિયમોના ભંગને ધ્યાનમાં રાખીને ગુગલને નોટિસ મોકલી હતી અને એડ્સને 36 કલાકની અંદર કાઢી નાખવા માટે સૂચના આપવામાં આવી હતી. સાઇબરક્રાઇમ વિભાગે લોકોને આવી એડ્સ પર કોઈ પણ પ્રકારનો રિસ્પોન્ડ ન કરવા માટે પણ અપીલ કરી છે.



