હોંગકોંગમાં મોટી બિઝનેસ ડીલ અપાવવાના નામે છેતરપિંડી: સાયબર ક્રાઇમ પોલીસે ટ્રેડ ફંડામેન્ટલ કંપનીના કસ્ટમર સપોર્ટ ઓપરેટરને ઝડપી લીધો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.13
મોરબીની એવીયર ઈંપેક્ષ નામની કોકોપીટ ઉત્પાદક કંપનીના માલિક દેવેન્દ્રભાઈ નરસીભાઈ દેત્રોજા સાથે ₹1,72,88,400/-ની માતબર રકમની છેતરપિંડી કરનાર સાયબર ગઠિયાઓ વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે દિલ્હી ખાતેથી એક મુખ્ય આરોપીને ઝડપી લીધો છે.
દેવેન્દ્રભાઈ દેત્રોજાને પોતાની પ્રોડક્ટનો વિદેશમાં વ્યાપાર કરવો હોવાથી તેમણે ગૂગલ પર સર્ચ કર્યું હતું. આ દરમિયાન ટ્રેડ ફંડામેન્ટલ અને જીબીએફએસ વીંગ્સ કંપની પ્રાઇવેટ લિમિટેડના માણસોએ તેમને હોંગકોંગમાં માલ વેચવા માટે ડીલિંગ કરાવી આપવાની લાલચ આપી હતી. આ બંને કંપનીઓના ડાયરેક્ટર, મેનેજર અને અન્ય લોકોએ વોટ્સએપ, ટેલિફોનિક વાતચીત અને ઇમેઇલ દ્વારા અલગ અલગ બહાને વર્ષ 2023થી વર્ષ 2025 દરમિયાન કુલ **₹1,72,88,400/-**નું ટ્રાન્ઝેક્શન કરાવી લીધું હતું, પરંતુ તેમને હોંગકોંગમાં વેપાર ધંધો કરાવી આપ્યો નહોતો, જેના પગલે દેવેન્દ્રભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મોરબી સાયબર ક્રાઇમ પીઆઇ એન.એ. વસાવા અને તેમની ટીમે સાયબર આરોપીઓના મોબાઈલ નંબર અને ટેક્નિકલ એનાલિસિસ દ્વારા પગેરું દબાવ્યું હતું. આ તપાસના અંતે ટ્રેડ ફંડામેન્ટલ કંપનીના કસ્ટમર સપોર્ટ ઓપરેટર તરીકે કામ કરતા આરોપી ધનંજય પ્રદીપ શર્મા (ઉં.વ.23, રહે. દિલ્હી) નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.
ઝડપાયેલા આરોપી ધનંજય શર્માની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, જી.બી. ફંડામેન્ટલ અને જીબીએફએસ વીંગ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની આ બંને કંપનીઓ પારસ સિંગાલા નામનો શખ્સ ચલાવતો હતો. તે બીબીએ, એમબીએ, બીસીએ જેવા ઉચ્ચ અભ્યાસ કરેલા યુવાનોને કામે રાખીને વેપારીઓને ફોરેનમાં વ્યાપારના નામે ફસાવતો હતો. વેપારીઓની વિગતો એકત્રિત કરી બેન્ક મારફતે નાણાં મેળવી તે ઠગાઈ કરતો હોવાનું સામે આવ્યું છે. મોરબી સાયબર ક્રાઈમ પોલીસે હાલમાં આરોપીને મોરબી લાવીને વધુ પૂછપરછ હાથ ધરી છે.