સિંધમાં ચીનની ભાગીદારીમાં બનેલા બે કોલસા આધારિત પાવર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
આર્થિક રીતે કંગાળી તરફ જઇ રહેલા પાકિસ્તાનમાં હાલ ચીને મોટા પાયે રોકાણ કરેલું છે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના ભાગરૂપે ચીન કચ્છની બોર્ડર પાસે પણ અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. જેમાં કોલસાની ખાણ અને પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે. કચ્છ બોર્ડરની સામે જ આવેલા થરપારકરમાં ચીન સાથે ભાગીદારી ધરાવતા કોલસા આધારિત બે પાવર પ્લાન્ટનું તાજેતરમાં પાકિસ્તાની પ્રધાનમંત્રી શેહબાઝ શરીફે ઉદ્ઘાટન કર્યું હતું. આ વખતે વડાપ્રધાને પાકિસ્તાન અને ચીનની મિત્રતાનાં ગુણગાન ગાયાં હતાં.
વડાપ્રધાને આ પાવર પ્લાન્ટને ચીન અને પાકિસ્તાન વચ્ચે કાયમી ભાગીદારીના પ્રમાણપત્ર તરીકે વર્ણવ્યો. આ વખતે વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો-ઝરદારી પણ હાજર રહ્યા હતા. અહીં 1,320 મેગાવોટ થાર કોલ બ્લોક-1 અને થલ નોવા 330 મેગાવોટ બ્લોક-ઈંઈંનું લોકાર્પણ કરતી વખતે આશા વ્યક્ત કરી હતી કે આ પ્રોજેક્ટ્સ રણને આર્થિક હબમાં ફેરવી દેશે. પાકિસ્તાની મીડિયા રિપોટ્સ પ્રમાણે વડાપ્રધાને કાર્યક્રમમાં કહ્યું હતું કે આ પ્રોજેક્ટ્સનું સફળતાપૂર્વક પૂર્ણ થવું એ ચીન અને પાકિસ્તાન વચ્ચે મજબૂત ભાગીદારીનો પુરાવો છે.
પીએમએ ચીનની સરકાર, સામેલ કંપનીઓ અને સિંધના મુખ્યપ્રધાન સૈયદ મુરાદ અલી શાહનો થાર કોલ-માઇનિંગ અને પાવર જનરેશન પ્રોજેક્ટને અચૂક સમર્થન આપવા બદલ અને બે પ્લાન્ટને પૂર્ણ કરવામાં ફાળો આપનારા તમામનો આભાર માન્યો હતો. શરીફે કહ્યું કે અમને આ સિદ્ધિ પર ગર્વ છે અને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને સફળ બનાવવા માટે ચીન સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તેઓએ થરપારકરના લોકોને તેમના ઘરઆંગણે તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે એક હોસ્પિટલની જાહેરાત કરી હતી.