85 હજારનું રોકાણ કર્યું પરંતુ એક પણ રૂપિયાનું ઉત્પાદન થયું નહીં
ભેંસાણનાં ગળથ ગામમાં ખેડૂતે એક વિઘામાં કાકડીનું વાવેતર કર્યું હતું
ખાસ-ખબર સંવાદદાતા
ખેડૂતોને પ્રતિકુળ વાતાવરણનો ભોગ બનું પડે છે તો કયારે નકલી બિયારણનો ભોગ બનવું પડે છે. જૂનાગઢ જિલ્લામાં વારંવાર આ પ્રકારે નકલી બિયારણ આપી દેવાનાં કારણે ખેડૂતોને લાખો રૂપિયાની ખોટ ભોગવવી પડે છે. ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવે છે. કંપની કે એગ્રોએ કહેવા મુજબ ઉત્પાદન મળતું નથી. જૂનાગઢ જિલ્લામાં વધુ એક વખત નકલી બિયારણનો ભોગ ખેડૂતો બન્યાં છે. ભેંસાણ તાલુકાનાં ગળથ ગામે રહેતા પ્રકાશભાઇ વેકરિયા અને રેખાબેને પોતાનાં ખેતરમાં 1 વિઘામાં કાકડીનું વાવેતર કર્યું હતું. બિયારણ સહિતનો 85 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. પરંતુ એક રૂપિયાનું ઉત્પાદન થયું નથી. બીજી તરફ એગ્રો અને કંપની વાળા જવાબ ન દેતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ખેડૂત દંપતિએ જૂનાગઢનાં જલારામ એગ્રોમાંથી અંકુર કંપનીનું બિયારણ લીધું હતું. કાકડીનું ઉત્પાદન ન થતા ખેડૂતને રૂપિયા 3 લાખ સુધીની ખોટ ગયાનો આક્ષેપ કર્યો છે. તેમજ પાક નિષ્ફળ ગયો છે.
- Advertisement -
જલારામ એગ્રોમાંથી 4 હજારનું બિયારણ લીધું હતું
પ્રકાશભાઇ વેકરિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢનાં જલારામ એગ્રોમાંથી રૂપિયા 4000 નું કાકડીનું બિયારણ લીધું હતું અને દુકાનદારે 40 દિવસમાં ઉત્પાદન શરૂ થઈ જશે તેમ કહ્યું હતું. પરંતુ આ વાતને દોઢ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં ઉત્પાદ શરૂ થયું નથી. ઉપરાંત જે બિલ આપવામાં આવ્યું છે, તેમાં પણ ગોટાળા કરવામાં આવ્યાં છે.
હવામાનમાં ફેરફાર અને તડકાનાં કારણે મોડું ઉત્પાદન
સમગ્ર બનાવ અંગે જૂનાગઢમાં આવેલી જલારામ એગ્રોનાં નિલેશભાઇ રાજાએ પોતાનો અને કંપનીનો લૂલો બચાવ કરતાં જણાવ્યું હતું કે, તેઓએ કંપનીનું જ બિયારણ આપ્યું છે અને હવામાન ફેરફાર તથા ખૂબ જ તડકાને કારણે કદાચ પાકનું ઉત્પાદન મોડું શરૂ થઈ શકે અને યોગ્ય સમયે ખેડૂતને દવાનો છંટકાવ કરવાનું પણ ધ્યાન દોર્યું હતું.
- Advertisement -
એક રૂપિયાનું ઉત્પાદન થયું નથી
રેખાબેન વેકરિયાએ જણાવ્યું હતું કે,ખેતરમાં કાકડીનું વાવેતર કર્યું હતું. નકલી બિયારણ ધાબડી દેતા પાક નિષ્ફળ ગયો છે. એક વીઘા ખેતરમાં કાકડીનું વાવેતર કર્યું, બિયારણ, મજુરી તમામ વસ્તુ મળી રૂપિયા 85000 નું રોકાણ કર્યું હતું. પરંતુ એક પણ રૂપિયાનું ઉત્પાદન થયું નથી.
કંપની અને એગ્રો સામે કાર્યવાહી કરો
ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ જૂનાગઢ જિલ્લામાં નકલી બિયારણ અને ખાતર દવા વેચનારનો રાફડો ફાટયો હોય તેમ લાગી રહ્યું છે. દર વર્ષે આવા બિયારણનાં કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જતો હોય છે. આવી કંપની સામે કાર્યવાહી કરવાની ખેડૂતોમાંથી માંગ ઉઠી છે.