ખાસ-ખબર ન્યૂઝ જામનગર
જામનગરની સરકારી નવાનગર હાઇસ્કૂલમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં એક શિક્ષિકાએ વિદ્યાર્થીના આગળના વાળ કાપી નાંખ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. વિદ્યાર્થીના વાલીનું કહેવું છે કે, ’અમારા છોકરાએ રડતાં-રડતાં ફોન કર્યો અને આ વિશે જણાવ્યું હતું.’
- Advertisement -
મળતી માહિતી મુજબ, જામનગરના બેડીના જોડીયાભૂંગા વિસ્તારમાં રહેતો એક સગીર સરકારી નવાનગર હાઇસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીઓને વાલી મિટીંગમાં બોલાવવાના હોવાથી તે શાળાની ઓફિસમાં વાલીનો નંબર લખાવવા માટે ગયો હતો. આ દરમિયાન ધોરણ-12માં ભણાવતા એક શિક્ષિકા પણ ત્યાં બેઠા હતા, તેમણે વિદ્યાર્થીને જોઈને કહ્યું કે, તારા વાળ બહુ વધી ગયા છે. તો વિદ્યાર્થીએ કહ્યું કે, હું કપાવી નાંખીશ. તેમ છતાં શિક્ષિકાએ જાતે જ કાતર લઈને તેના આગળના વાળ કાપી નાંખ્યા હતા. ત્યાર બાદ કિશોર ડઘાઇ ગયો અને તેણે કોઇકના ફોનમાંથી તેના વાલીને ફોન કર્યો અને રડતાં-રડતાં આખી વાત જણાવી હતી. વાલીઓ આ ઘટનાથી રોષે ભરાયા છે અને જિલ્લા શિક્ષણાધિકારી તેમજ ગાંધીનગરના શિક્ષણ વિભાગ સુધી ફોટા અને ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
હજુ કોઇ ફરિયાદ આવી નથી, આવશે તો પગલાં
લેશું : જિલ્લા શિક્ષણાધિકારી
સમગ્ર બાબતે જિલ્લા શિક્ષણાધિકારી વિપુલભાઈ મહેતાએ જણાવ્યું કે, હજી સુધી મારી પાસે કોઈ ફરિયાદ આવી નથી. પરંતુ જો આવશે તો ચોક્કસપણે તપાસ થશે અને જવાબદારો સામે પગલા પણ
લેવામાં આવશે.