ત્રણ દિવસમાં સોનામાં રૂ.3 હજાર અને ચાંદીમાં રૂ.15 હજારનો ઘટાડો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ધનતેરસના પાવન દિવસે પોરબંદરની સોની બજારમાં ખરીદદારોની ભારે ભીડ જોવા મળી હતી. પરંપરાગત રીતે ધનતેરસે સોના-ચાંદીની ખરીદી શુભ માનવામાં આવતી હોવાથી, સવારે જ શહેરના મુખ્ય જ્વેલર્સ શોપ્સ પર ખરીદદારોની લાઈનો લાગી ગઈ હતી. ગત ત્રણ દિવસમાં સોનાના ભાવમાં આશરે ₹3,000નો અને ચાંદીના ભાવમાં ₹15,000 પ્રતિ કિલોનો ઘટાડો નોંધાતા ખરીદદારોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. ભાવમાં આ ધરાસો આવતા ધનતેરસના તહેવાર દરમિયાન ખરીદીમાં આશરે 5 થી 10 ટકાનો વધારો થયો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. પોરબંદરના જય માતાજી જ્વેલર્સના ઓનર શશીભાઈ સોની કહે છે કે આ વર્ષે ખાસ કરીને સોના અને ચાંદીના સિક્કા, રિયલ ડાયમંડ, રોઝ ગોલ્ડ અને પ્લેટીનમના દાગીનાની ખરીદી વધુ થઈ રહી છે. ઘણા લોકોએ નાના નાણાંકીય રોકાણ તરીકે સિક્કા ખરીદીને પણ શુભ શરૂઆત કરી છે. દીવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં આ ઘટાડો અને ધનતેરસની શુભ ઘડીએ ખરીદીનું ઉમંગભર્યું વાતાવરણ પોરબંદરની સોની બજારને સોનાની જેમ ઝળહળતું બનાવી રહ્યું છે.