હરિ હરનો સાદ, શિવભક્તિ અને ભવ્ય સંતવાણી સાથે મહાશિવરાત્રી મેળાની રમઝટ
“ભોલે કે દરબારમાં, લગે ભક્તોની કતાર, ગિરનારની ગોદમાં ગુંજે, હર હરનો જયઘોષ અપાર”
- Advertisement -
શિવરાત્રીના પાવન પર્વે ભવનાથ તળેટી શિવભક્તિના રંગે રંગાઈ છે. લાખોની જનમેદની, સાધુ-સંતોનો સંગમ અને ’હર હર મહાદેવ’ના નાદ સાથે ગિરનારની કંદરાઓ ગુંજી ઉઠી છે. આ વર્ષે રાજ્ય સરકારના પ્રયાસોથી મેળો ભવ્ય, દિવ્ય અને ઐતિહાસિક બન્યો છે. મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે 250થી વધુ અન્નક્ષેત્રો કાર્યરત છે, જ્યાં જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર ’ટુકડો ત્યાં હરિ ઢુકડો’ની ભાવના સાથે પ્રસાદ પીરસાય છે. તળેટીમાં ચોવીસે કલાક જાણીતા ભજનિકો દ્વારા સંતવાણીની રમઝટ બોલે છે. ગંગાસતી, પાનબાઈ અને નરસિંહ મહેતાના પદોથી ભક્તિની પવિત્ર ગંગા વહે છે. ભાવિકો માટે શિવજીની પ્રતિમા અને બળદગાડા જેવા આકર્ષક સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જૂનાગઢ પોલીસ અને 108ની ટીમ પણ ’દેવદૂત’ બનીને લાખો યાત્રાળુઓની સુરક્ષા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહી છે, જેનાથી મેળાનો ઉત્સાહ બેવડાયો છે.



