ખાસ-ખબર સંવાદદાતા
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર કે જ્યાં આખા વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોઈ છે ત્યારે સોમનાથ યાત્રાધામ ખાતે નાતાલનાં વેકેશનમાં પ્રવાસીઓ અને શાળાઓના પ્રવાસના બાળકોથી ઉભરાયું છે. સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ચાર મુખ્ય અતિથિગૃહો લગભગ બધા હાઉસફૂલ છે તો ખાનગી અતિથિગૃહોમાં પણ બુકિંગ ફૂલ છે.સામાન્ય રીતે 25 ડિસેમ્બરે શરૂ થતો પ્રવાસીઓનો પ્રવાહ એ આ વખતે પહેલાથી જ ચાલુ થઈ ગયેલ છે. વિશેષમાં આ વર્ષે 25 ડિસેમ્બરે રવિવાર પણ હોઈ જેથી વેકેશન સિવાયનો પણ પ્રવાહ પણ ઉમટી પડ્યો હતો. તા. 25 થી 1 જાન્યુઆરી સુધીનો ભાવિકોનો આ ઘસારો પોતાની યાત્રામાં સોમનાથને મુખ્ય કેન્દ્ર બનાવી દીવ, સાસણ, તુલસીશ્યામ, દ્વારકા સહિતના સ્થળોએ પર્યટન, દર્શન, તીર્થયાત્રા કરી વેકેશનનો ભરપુર આનંદ માણશે. સોમનાથ ખાતે વેકેશનમાં આવતા ભાવિકોના ઘસારાને લઈને સોમનાથ મંદિર, દરિયાકિનારે તેમજ આસપાસના ધંધાર્થીઓનાં રોજગારમાં વધારો થતો હોઈ છે. સોમનાથ રેલ્વે સ્ટેશનની નવીનીકરણની કામગીરી ચાલતી હોવાના કારણે વેરાવળથી યાત્રિકોને રિક્ષા કે ખાનગી વાહનો નો સહારો લેવો પડશે. ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન, સુરખાબ પક્ષી દર્શન અને મોબાઈલ કેમેરામાં ફોટોગ્રાફી, નૌકા વિહાર, ભાલકા તીર્થ અને સોમનાથ સમુદ્ર તટે લોકો મજેદાર ખરીદી કરતા હોય છે. ઊંટ અને ઘોડે સવારી સાથે સાગરના રમણીય દ્રશ્યો, સોમનાથ વોકવેના દ્વશ્યો કેમેરામાં કંડારી લોકો વેકેશન તેમજ પોતાના પ્રવાસનો આનંદ માણતા હોઈ છે.