ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો: આંક કરોડોમાં પહોંચવાની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વધુ એક ધંધામાં ઊંચા વળતરની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી થયાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો છે શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી 70 લાખ રૂપિયાની ઠગાઈની ફરિયાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાઈ છે આ કેસની તપાસ આર્થિક ગુન્હા નિવારણ શાખાને સોંપવામાં આવી છે ફરિયાદ અન્વયે આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ શરુ કરવામાં આવી છે.
કાંગશિયાળી રોડ પર સ્થાપત્ય ગ્રિનસિટી એપાર્ટમેન્ટમાં રહેતા અને શાપરમાં કિંગ મ્યુઝિક નામથી ઈલેકટ્રોનિક વસ્તુઓનો શો-રૂમ ધરાવતાં સ્મિત લાલજીભાઈ વાડોદરીયા ઉ.37એ ઉપરોક્ત સ્થાપત્ય ગ્રીનસીટીમાં જ રહેતા જીતેન્દ્ર ભીખુભાઈ નૈના સામે ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ત્રણેક વર્ષ પહેલાં તેના સાળા વિપુલ વડગામાએ તેની સાથે કામ કરતા રાહુલ નૈનાનો મોટોભાઈ જીતેન્દ્ર ટ્રેડિંગનું કામકાજ કરતો હોવાનું કહ્યું હતું. સાથો-સાથ તેમાં સારૂ વળતર પણ મળતું હોવાનું કહી રોકાણ કરવા કહ્યું હતું બાદમાં તેના સાળા સાથે 2024માં જીતેન્દ્રને 80 ફૂટના રોડ પર
આસોપાલવ ટ્રાયેંગલ કોમ્પ્લેક્ષમાં આવેલી તેની રૂદ્ર ટ્રેડિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ નામની ઓફિસે મળ્યો હતો. તે વખતે જીતેન્દ્રએ તેને કહ્યું કે રોકાણ ઉપર મહિને 4થી 5 ટકા વળતર આપીશ. તે શેર માર્કેટમાં ટ્રેડિંગ કરે છે. પહેલાં પ્રોફેસર હતો. જે નોકરી મુકી શેર માર્કેટમાં પીએચડી કરી છે. ઓફિસ તેના મિત્ર ભાવીન ટીટીયાની છે ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે જીતેન્દ્રની વાતો સાંભળી તેના વિશ્વાસમાં આવી ગયો હતો. તે સાથે જ 2024થી 2025 દરમિયાન તેની પાસે 99.14 લાખ જમા કરાવ્યા હતા. જેમાંથી તેને 30 લાખ પરત મળ્યા હતા. બાકીના 69.14 લાખ પરત મળ્યા ન હતા. જેનું વળતર ચૂકવવાનું પણ જીતેન્દ્રએ બંધ કરી દીધું હતું. ઓફિસ પણ બંધ કરી દીધી હતી. જયાં બીજા રોકાણકારો પણ અવાર-નવાર આવતા હતા સવારે ભોગ બનેલા રોકાણકારોએ ક્રાઈમ બ્રાંચમાં રજૂઆત કરી હતી. જેના આધારે બીએનએસ અને જીપીઆઈડી મુજબ ગુનો દાખલ કરાયો હતો આ કૌભાંડમાં 300 જેટલા રોકાણકારો ભોગ બન્યાનું અને ઠગાઈની રકમ કરોડો રૂપિયાની હોવાનું માનવામાં આવી રહ્યું છે ફરિયાદી ઉપરાંત ચિરાગ ખોડાભાઈ સેલડીયા, રવિ યશવંતભાઈ મહેતા, પ્રકાશ ગીરજાશંકર વ્યાસ, રામભાઈ રાજાભાઈ બારૈયા, મયુર કનકરાય ઉપાધ્યાય પણ ભોગ બન્યાનું જણાવાયું છે જેમ-જેમ ભોગ બનનાર રોકાણકારો આવતા જશે તેમ-તેમ તેમના નિવેદન લેવામાં આવશે. આગામી દિવસોમાં ઠગાઈનો આંક વધે તેવી શકયતા નકારાતી નથી.



