ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.21
જુલાઈ મહિનામાં પડેલા ભારે વરસાદ અને પરને કારણે પોરબંદર જિલ્લામાં 84 હજાર હેક્ટર જમીન પર લાગેલા પાકને ભારે નુકસાન થયું હતું. મગફળી સહિતના પાકને થયેલા આ આર્થિક નુકસાનીને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ હતી. રાજય સરકાર દ્વારા પાક નુકસાની અંગે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને ખેડુતોમાં આશા જાગી છે. ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકશાનીના સર્વેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને રાજ્ય સરકાર તરફથી સહાય માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. 30 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી આ અરજીઓ ભરવાની મુદત આપી છે.
પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં 41,305 ખેડૂતો દ્વારા પાક નુકસાનીની અરજી કરવામાં આવી છે. કૃષિ સહાય પેકેજના કાર્યક્રમ હેઠળ ખેડૂતો પાસેથી માંગવામાં આવેલી આ અરજીઓને આધારે સહાય વહેલી તકે ચૂકવવાની માંગ ખેડુતો દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે પાકને થયેલા નુકસાનને કારણે તેઓને મોટું આર્થિક નુકશાન સહન કરવું પડી રહ્યું છે.
- Advertisement -
પોરબંદર તાલુકામાં સૌથી વધુ અરજી
પોરબંદર જિલ્લામાં કુલ 41,305 અરજીઓમાં સૌથી વધુ અરજીઓ પોરબંદર તાલુકામાં નોંધાઈ છે. પોરબંદર તાલુકામાં 20,581, રાણાવાવમાં 7,672, કુતિયાણામાં 12,851, અને પોરબંદર શહેરમાં 201 અરજી થઈ છે.