226 સાંસદની સંપત્તિ અને ક્રિમિનલ કેસોનું એનાલિસિસ
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યસભામાં જેટલા પણ વર્તમાન સાંસદો છે તેમાંથી 31 ટકા સાંસદોએ પોતાની સામે ક્રિમિનલ કેસો હોવાનું જાહેર કર્યું હતું. જ્યારે રાજ્યસભાના સાંસદોની સરેરાશ સંપત્તિ 79.54 કરોડ રૂપિયા છે. આ માહિતી એડીઆર-નેશનલ ઇલેક્શન વોચ દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ સંસ્થાઓએ રાજ્યસભાના 233માંથી 226 સાંસદોની સંપત્તિ અને ક્રિમિનલ કેસોનું એનાલિસિસ કર્યું હતું.
- Advertisement -
હાલમાં રાજ્યસભામાં માત્ર એક જ બેઠક ખાલી છે. બે સાંસદોના સોગંદનામા ન મળી શક્યા હોવાથી તેમની માહિતી જાહેર નથી કરવામાં આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યસભાના 226 સાંસદોમાંથી 87 ટકા એટલે કે 197 સાંસદો કરોડપતિ છે. અને પ્રત્યેક સાંસદની સરેરાશ સંપત્તિ 79.54 કરોડ રૂપિયા છે.
આ 226 સાંસદોમાંથી 71 સાંસદો (31 ટકા)એ જાહેર કર્યું છે કે તેમની સામે ક્રિમિનલ કેસો છે. જ્યારે 37 સાંસદો (16 ટકા) સામે ગંભીર કેસો છે. રાજ્યસભાના બે સાંસદોની સામે હત્યા (302) અને ચાર સાંસદોની સામે હત્યાના પ્રયાસોની કલમ 307 હેઠળ ગુના દાખલ છે. ચાર સાંસદોની સામે મહિલાઓ વિરુદ્ધના અપરાધોનો ગુનો દાખલ છે.
જેમાંથી કોંગ્રેસના એક સાંસદ કે સી વેણુગોપાલની સામે બળાત્કારનો કેસ ચાલી રહ્યો છે. જે પણ સાંસદોની સામે ક્રિમિનલ કેસો દાખલ છે તેમાંથી 20 સાંસદો ભાજપના, કોંગ્રેસના 12, એઆઇટીસીના ત્રણ, આરજેડીના પાંચ, સીપીઆઇ(એમ)ના ચાર, આપના ત્રણ, એનસીપીના બે સાંસદોનો સમાવેશ થાય છે. ક્રિમિનલ કેસો ધરાવતા સાંસદોમાં ઉત્તર પ્રદેશથી સાત, મહારાષ્ટ્રથી 12, તામિલનાડુથી છ, બંગાળથી ત્રણ, કેરળથી નવ, બિહારથી 10 સાંસદોનો સમાવેશ થાય છે.