વહેલા ઊઠીને કામ કરવા અંગે ઠપકો આપતા ભર્યું હતું આત્મઘાતી પગલું
પતિએ બંને સંતાનોની હત્યા કરવા અંગે મૃતક પત્ની સામે નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ જામકંડોરણા
- Advertisement -
જામકંડોરણાના સનાળા ગામે દીકરા – દીકરીને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારનાર માતા સામે હત્યાનો ગુનો દાખલ થયો છે. પતિએ વહેલા ઉઠવા બાબતે ઠપકો આપતા પત્નીએ આ પગલું ભર્યું હતું.
બનાવ અંગે મૂળ દાહોદના અને હાલ જામકંડોરણાના સનાળા ગામે અલ્પેશભાઈની વાડીમાં રહેતા ઈશ્વરભાઈ ચીમનભાઈ બીલવાળ ઉ.38એ હત્યા અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે છેલ્લા નવેક વર્ષથી સનાળા ગામની સીમમાં અલ્પેશભાઇની વાડીએ ખેતીની જમીન ભાગમાં વાવી પરિવારનું ગુજરાન ચલાવું છું મારે બે પત્ની છે. જેમાં પ્રથમ પત્ની લીલા છે. જેના સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે જેમાં મોટો દીકરો કિસ્મત ઉ.15 છે તેનાથી નાની દીકરી આસુડી ઉ.13 છે. તેમજ મારી બીજી પત્ની આજથી આઠેક વર્ષ પહેલા કરેલ હતી જેનું નામ સેના છે તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા જેમાં મોટી દીકરી કાજલ ઉ.6 હતી અને તેનાથી નાનો દીકરો આયુષ ઉ.5નો હતો ગત તા. 11/12/2024 ના સવારમાં હું તથા મારી મોટી પત્ની લીલા તથા મારા બાળકો એમ જાગીને ચા નાસ્તો કરતા હતા. તે વખતે મારી બીજી પત્ની સેના સવારમાં મોડી જાગેલ હોય, જેથી મેં તેને કહેલ કે, સવારમાં વહેલા ઉઠીની કામ કરશો તો બે પૈસા કમાશું તેમ ઠપકો આપેલ હતો તે પછી તે ત્યાં ઓરડીએ કપાસના જીંડવા ફાટી ગયેલ હોય, તેમાંથી રૂ કાઢવાનું કામ કરતી હતી. તે પછી બધા બપોરે સાથે જમ્યા હતા તે પછી મારી નાની પત્ની સેના તથા તેના બંને બાળકો ઓરડીએ હતા. હું એક વાગ્યે મારા ભાઈ નરશીભાઈ ચીમનભાઈ બીલવાળે જામકંડોરણા ગોંડલ રોડે ઝુંપડું બનાવી રહેતો હોય, ત્યાં આંટો મારવા નીકળેલ હતો.
જામકંડોરણા મારા ભાઈને ત્યાં આટો મારી હું સાંજના છએક વાગ્યે પાછો અમો રહેતા હોય, ત્યાં જતો હતો તે વખતે આંચવડ પહોંચેલ ત્યારે મારી મોટી પત્ની લીલાનો ફોન આવેલ અને તેમણે જણાવેલ કે, અમો બુમો પાડીએ છીએ તો પણ સેના બારણું ખોલતા નથી. તમે જલ્દી આવો. ત્યાં જઈ જોયુ તો મારી નાની પત્ની સેનાએ ઓરડીનું બારણું અંદરથી બંધ કરી દીધેલ હતું. તેમજ તેની સાથે મારા બંને બાળકો જેમાં કાજલ અને આયુષ સાથે હતા તે પછી મેં લોખંડ કાપવાની આરી પાના વડે અંદરનો નકુચો કાપી નાખી બારણુ ખોલી જોતા મારી પત્ની સેના તથા મારા બંને બાળકો બેભાન હાલતમાં પડેલ હતા. પત્નીના મોઢામાંથી ફીણ નીકળી ગયેલ હતા. જેથી આ મારી પત્નીએ ઝેરી દવા પોતે તથા મારા બંને બાળકોને પીવડાવી દીધેલ હોય, તેવું જણાયું હતું. દરમિયાન 108 એમ્યુલન્સ આવી જતા તેના સ્ટાફે મારી પત્નીને તથા મારા બંને બાળકોને મૃત જાહેર કર્યાં હતા. હાલ જામકંડોરણા પોલીસે બંને બાળકોને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા હોવાથી મૃતક માતા સેના સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.