સ્ટેટ વખતે અપાયેલી જમીનના લેખમાં ચેડાં કરી કૌભાંડ આચરતાં નોંધાઈ ફરિયાદ
મૃતક ડાયાભાઇની જમીનના લેખમાં વિનોદે અને નાજાભાઈની જમીનના લેખમાં ચોટીલા રહેતાં લાખાએ કર્યા ચેડાં
દક્ષિણ મામલતદારની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી બંનેને ઉઠાવી લીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં એક પછી એક મોટા જમીન કૌભાંડ સામે આવી રહ્યા છે સરકારી દસ્તાવેજો સાથે ચેડાં કરી જમીન ખાનગી બતાવવા કે પોતાના નામે ચડાવવાના કારનામાં પોલીસ મથકે પહોંચી રહ્યા છે મવડીમાં સ્ટેટની સર્વે નં.194 ની 19 એકર જમીનના બોગસ દસ્તાવેજ બનાવી માલિકીની બતાવી દિધી હોવાનું સામે આવતા દક્ષિણ મામલતદારે તાલુકા પોલીસ મથકમાં બેલડી સામે બે ફરીયાદ નોંધાવતા છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઈ સી.એચ.જાદવે બંનેને સકંજામાં લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રાજકોટ શહેર દક્ષિણ ઈન્ચાર્જ મામલતદાર શૈલેશકુમાર જેઠાભાઈ ચાવડા ઉ.58એ મોરબી રોડ ઉપર આવેલ ગાંધી વસાહત સોસાયટીમાં રહેતા વિનોદ માવજી પારઘી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મવડી-2 ગામના સર્વે નં.-194 પૈકીની જમીન 9 એકર 13 ગુંઠા ગુજરનાર ડાયાભાઈ દેશાભાઈના વારસદાર તરીકે વિનોદ પારઘીએ સ્ટેટના લેખના આધારે ખેડવાણ જમીન મળવા તેમજ તે જમીન પરના લાંબાગાળાના ખેડવાણ કબ્જા હક્ક નિયમ બધ્ધ કરી આપી રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરવા સરકારમાં મંજુરી મળવા કલેકટરને તા.29/08/2023 થી અરજી કરી હતી જેના પુરાવા તરીકે વિનોદ પારઘીએ તેના દાદા ડાયા દેશાના નામનો તા.26/10/1932 નો લેખ તથા બેઠા ખાતાનો ઉતારાની નકલ ખાતા નં.26 ની રજુ કરી મવડી-2 ગામના સર્વે નં.194 પૈકીની જમીન 9 એકર 13 ગુંઠા ની ફુગલાવારી ધાર મારવારૂ ખેતર તરીકે ઓળખાતી જમીન વરસાઇ દરજ્જે નામે ચડાવવા રજુઆત કરેલ હતી જે અરજદારે રજુ કરેલ આઘાર પુરાવાની ખરાઇ કરતા જે તે સમયે અપાયેલ સર્વ નંબર 194 હાલના રેકર્ડ આવેલ સર્વે નંબર 194 એક સમાન હોય તેમ પ્રસ્થાપિત થતુ ન હતું. તેમજ મહેસુલી રેકર્ડે વર્ષ 1955 ના રેકર્ડ માત્ર ખેતરના નામ આઘારે નોંઘ થયેલ હતી. વર્ષ 1961 માં માપણી થયા બાદ હાલના સર્વે નંબર આપવામા આવેલ છે. તેમજ વિનોદ પારઘીએ રજુ કરેલ લેખમા દર્શાવેલ ગુજરાતી તથા અંગ્રેજી કેલેન્ડર મુજબની તારીખોમા વિસંગતતા જણાઈ આવતાં કલેકટરને દરખાસ્ત કરેલ હતી આરોપી વિનોદ દ્રારા સ્ટેટ લેખનુ લખાણ રજુ કરેલ જે લેખ અભીલેખાગાર કચેરી ખાતે ખરાઇ કરાવતા તે લેખની કોઇ નોંઘ થયેલ ન હોય અને અભીલેખાગાર કચેરીના ખોટા સહી સીક્કા કરેલ હોવાનુ કચેરી તરફથી જણાવતા વિનોદભાઈ પારઘીએ પોતાના દાદાને સ્ટેટ તરફથી જમીન આપવામાં આવેલ હોવાની ખોટી વિગત જણાવી ખોટા ડોક્યુમેન્ટ બનાવી સાચા તરીકે કલેકટર કચેરીમા રજુ કરી સરકારી જમીનને ખાનગી જમીન તરીકે દર્શાવી પોતાના નામની જમીન નોંઘણી કરવા અરજી કરેલ હોય તેવુ પ્રસ્થાપીત થતા આરોપી વિનોદ માવજી પારઘી વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
તેમજ ઈન્ચાર્જ દક્ષીણ મામલતદાર શૈલેશકુમાર ચાવડાએ ચોટીલાના લાખા નાજા ખીમસૂરીયા સામે બીજી ફરિયાદ નોંધાવી હતી તેમ જણાવ્યું હતું કે લાખા ખીમસુરીયાએ મવડી-2 ગામના સર્વે નં.194 પૈકીની જમીન 10 એકર નાજાભાઈ રઘાભાઈના વારસદાર તરીકે લખા નાજાભાઇએ સ્ટેટના લેખના આધારે ખેડવાણ જમીન મળવા તેમજ તે જમીન પરના લાંબાગાળાના ખેડવાણ કબ્જા હક્ક નિયમબધ્ધ કરી આપી રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરવા સરકારમાં મંજુરી મળવા કલેકટરને તા.19/01/2024 થી અરજી કરેલ જેના પુરાવા તરીકે લખા ખીમસુરીયાએ તેમના પિતા નાજાભાઈ રઘાના નામનો તા.26/10/1937 નો લેખ તથા બેઠા ખાતાનો ઉતારાની નકલ રજુ કરી રાજકોટ, મવડી-2 ગામના સર્વે નં.194 પૈકીની જમીન 10 એકરની ટ્રુગલાવારી ધાર ખેતર તરીકે ઓળખાતી જમીન વરસાઈ દરજ્જે નામે ચડાવવા રજુઆત કરેલ હતી જે અરજદારે રજુ કરેલ આધાર પુરાવાની ખરાઇ કરતા જે તે સમયે અપાયેલ સર્વ નં.194 હાલના રેકર્ડ આવેલ સર્વે નં.194 એક સમાન હોય તેમ પ્રસ્થાપિત થતુ નથી. તેમજ મહેસુલી રેકર્ડે વર્ષ 1955 ના રેકર્ડ માત્ર ખેતરના નામ આધારે નોંઘ થયેલ હતી. વર્ષ 1961 માં માપણી થયા બાદ હાલના સર્વે નંબર આપવામાં આવેલ છે તેમજ લખા ખીમસુરીયાએ રજુ કરેલ લેખમાં દર્શાવેલ ગુજરાતી તથા અંગ્રેજી કેલેન્ડર મુજબની તારીખોમાં વિસંગતતા જણાતા કલેકટરને દરખાસ્ત કરેલ હતી. લાખા ખીમસુરીયા દ્રારા સ્ટેટ લેખનુ લખાણ રજુ કરેલ જે લેખ અભીલેખાગાર કચેરીએ ખરાઈ કરાવતા તે લેખની કોઈ નોંઘ થયેલ ન હોય અને કચેરીના ખોટા સહી સીક્કા કરેલ હોવાનુ કચેરી તરફથી જણાવતા આરોપી લખા ખીમસુરીયાએ પોતાના પિતાને સ્ટેટ તરફથી જમીન આપવામા આવેલ હોવાની ખોટી વિગત જણાવી ખોટા ડોક્યુમેન્ટ બનાવી સાચા તરીકે કલેકટર કચેરીમાં રજુ કરી સરકારી જમીનને ખાનગી જમીન તરીકે દર્શાવી પોતાના નામની જમીન નોંઘણી કરવા અરજી કરતા લાખા ખીમસુરીયા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
- Advertisement -
બનાવ અંગેની બંને ફરીયાદ પરથી તાલુકા પોલીસે બીએનએસ એક્ટ 420,475,465,467,468, 471 કલમ હેઠળ ગુનો નોંધી પીઆઈ સી. એચ.જાદવે તપાસનો ધમધમાટ આદરી બંને આરોપીઓને અટકમાં લઈ સઘન પૂછતાછ હાથ ધરી હતી.