– ઘૂંટણ અને પગની એડીમાં અસહ્ય દુ:ખાવો-સોજો હોવાથી MRI શક્ય ન બન્યું
ભારતીય ટીમના સ્ટાર વિકેટકિપર-બેટર ઋષભ પંતને ગંભીર અકસ્માત નડ્યો હતો. પંત પોતે જ કાર ચલાવીને જઈ રહ્યો હતો ત્યારે ઉત્તરાખંડના રુડકી પાસે આ ઘટના બની હતી. અત્યારે પંતની દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
- Advertisement -
જાણવા મળ્યા પ્રમાણે પંતને સૌથી વધુ ઈજા માથા અને પગમાં આવી છે જેના કારણે તેના મગજ અને કરોડરજ્જુનું એમઆરઆઈ સ્કેનિંગ કરાયું છે જેનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે. આ ઉપરાંત પંતના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે તેના પગમાં ફ્રેક્ચર છે પરંતુ તે વધુ ગંભીર નથી.
ડૉક્ટરોએ જણાવ્યું કે, પંતના હજુ પણ અનેક પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે. તેના ઘૂંટણનું એમઆરઆઈ સ્કેનિંગ કરવામાં આવવાનું હતું પરંતુ તેને આજ પર ટાળવામાં આવ્યું છે કેમ કે પંતને પગમાં બહુ જ દર્દ થઈ રહ્યું હતું અને સોજો પણ હતો. હવે આ સ્કેન આજે કરવામાં આવશે.
કાર અકસ્માતમાં પંતના ચહેરા પર ઈજા પહોંચી હતી તો અન્ય જગ્યાએ તેને છોલાઈ ગયું છે. હવે તેને ઠીક કરવા માટે પંતે પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી છે. પંતને ડાબા પગના ઘૂંટણ અને પગની એડીમાં લિકમેન્ટની સમસ્યા ઉભી થઈ શકે છે. આ જ કારણથી મેક્સ હોસ્પિટલના ડૉક્ટરે પંતના ઘૂંટણ ઉપર પણ પાટો બાંધ્યો છે. ડૉક્ટર્સે જણાવ્યું કે પંતની સ્થિતિ અત્યારે ઠીક છે અને તે સારું અનુભવી રહ્યો છે.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે પંત પોતાની મર્સિડીઝ કાર ખુદ ચલાવીને હોમટાઉન રુડકી જઈ રહ્યો હતો. આ દરમિયાન તેને ઉંઘ આવી જતાં કાર ડિવાઈડર સાથે ટકરાઈને દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. પંતે ખુદે જણાવ્યું કે તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો હતો. આ પછી કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી.