કરોડોના ખર્ચે બનેલા હાઈવેની ગુણવત્તા સામે સવાલ : ભાવનગર-સોમનાથ હાઈવે પર નબળી કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા-જાફરાબાદ પંથકમાંથી પસાર થતા રાજુલાના ચાર નાળા નજીક આવેલા ફ્લાયઓવર પર મસમોટી તિરાડો અને ગાબડાં પડવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ ફ્લાયઓવરને બન્યે માંડ એક વર્ષ જેટલો સમય થયો છે અને તેનું સત્તાવાર લોકાર્પણ પણ બાકી છે, ત્યારે તેની નબળી કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
- Advertisement -
લોકાર્પણ પહેલા જ નેશનલ હાઈવેના માર્ગ પર તિરાડો અને બ્રિજ પર ગાબડાં પડી જવાથી હાઈવેની કામગીરીની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નાર્થ સર્જાયો છે. અગાઉ પણ હાઈવેના હિંડોરણા અને મજાદર સહિત અનેક બ્રિજ પર ગાબડાં અને તિરાડો પડવાની ઘટનાઓ બની ચૂકી છે.
બ્રિજ પરનો રસ્તો બેસી જવાથી વાહનો ઊછળકૂદ કરી રહ્યા છે, જેના કારણે વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે.
આ બાબતે પ્રતાપભાઈ વરુએ જણાવ્યું હતું કે, રાજુલાના ચાર નાળા નજીક ફ્લાયઓવર પર પડેલી તિરાડો હલકી ગુણવત્તાવાળી માટી વાપરવાના કારણે છે. પીક્યુસી (ઙચઈ – ઙફદયળયક્ષિં ચીફહશિું ઈજ્ઞક્ષભયિયિં)માં ક્રેક થવાથી અને રોડ બેસી જવાથી વાહનચાલકો પરેશાન બન્યા છે. તેમણે હાઈવેની કામગીરીમાં સામેલ એજન્સીઓ સામે કાર્યવાહી કરવાની અને તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ મામલે વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી જનતાની માંગ છે.



