વાંકાનેર અદાલત દ્વારા એક આરોપીને લૂંટ તથા મારામારી તેમજ અન્ય બે આરોપીઓને મારામારીના ગુનામાં 7 વર્ષ કેદની સજા આપવામાં આવેલી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌ પ્રથમ તા. 29-12-2010ના રોજ પ્રમોદકુમાર ઉદયભાઈ રાઠોડ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી કે તેઓ તા. 28-12-2010ના રોજ બપોરે 2-00 વાગ્યે તેઓની ખેતીની જમીન ખેડતા સુરુભાના દીકરા ભગીરથસિંહનો ફોન આવેલો અને તેઓને જણાવેલું કે તેઓની ખેતીની જમીન સ.નં. 155માં અમુક માણસો જેસીબી મશીન લઈને આવેલા છે અને તેમાં જેસીબી મશીન ચલાવે છે જેથી ફરિયાદી તથા તેની પત્ની બંને ગાડી લઈ જગ્યાએ ગયા અને ત્યાં જોયું તો વઘાસીયા ગામના ઘનશ્યામસિંહ લખુભા ઝાલા જેસીબી મશીન સાથે લાવેલા અને ખેતરમાં જેસીબી મશીન ચલાવતા હોય જેથી ફરિયાદી અને તેની પત્ની ત્યાં ગયેલા અને તેઓને જેસીબી મશીન બાબતે પૂછતા ઘનશ્યામસિંહ ઉશ્કેરાઈ ગયા અને ફરિયાદી અને તેઓની પત્નીને જણાવેલું કે આ ખેતીની જમીન તેઓની માલિકીની છે, જેથી ફરિયાદીએ જણાવેલું કે આ ખેતીની જમીન અમોની માલીકીની છે અને આ જમીનમાં કબજો કરવાની કોશિશ ન કરો જેથી ઘનશ્યામસિંહ ઉશ્કેરાઈ ગયા અને કહ્યું કે 10 મિનિટ રાહ જોવો તેઓએ કોઈને ફોન કરીને બોલાવેલા અને જેથી તે દરમિયાન અન્ય આરોપીઓ કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, વનરાજસિંહ માલુભા ઝાલા તથા અન્ય એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવેલા અને તેઓએ તલવાર તથા લાકડીઓથી ફરિયાદી તથા તેના પત્નીને માર મારેલો ત્યારબાદ તેઓ કોઈને ફોન કરવા જતાં ફરિયાદીના ફોન તથા સીમકાર્ડની લૂંટ ચલાવેલી હતી અને ત્યારબાદ કોઈ દ્વારા પોલીસને ફોન કરતાં પોલીસના માણસો ત્યાં આવી જતાં વાંકાનેર સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલા હતા જે અનુસંધાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન દ્વારા આઈપીસી કલમ 323, 325, 504, 506(2), 394, 114 તથા બી.પી. એક્ટની કલમ 135 મુજબનો ગુન્હો નોંધેલો હતો. જેમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન દ્વારા ઘનશ્યામસિંહ લખુભા ઝાલા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, વનરાજસિંહ માલુભા ઝાલા, અતુલભાઈ જેઠાલાલ ભટ્ટ વિગેરેની ધરપકડ કરેલી હતી. ત્યારબાદ ગુન્હામાં ચાર્જશીટ થતાં કેસ ચાલી જતાં નામદાર સેશન્સ અદાલત દ્વારા ઘનશ્યામસિંહ લખુભા ઝાલાને આઈપીસી કલમ 323માં 1 વર્ષ 325માં 7 વર્ષ, 394માં 5 વર્ષ, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, વનરાજસિંહ માલુભા ઝાલાને આઈ.પી.સી. કલમ 323માં 1 વર્ષ, 325માં 7 વર્ષ તથા દંડ કરવામાં આવેલો હતો તેમજ અતુલભાઈ જેઠાલાલ ભટ્ટને સદરહુ ગુન્હા અનુસંધાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલો હતો. ત્યારબાદ ઉપરોક્ત આરોપીઓ પૈકી કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, વનરાજસિંહ માલુભા ઝાલા દ્વારા ગુન્હા અનુસંધાને સજાનો હુકમ સ્ટે કરવા તથા અપીલ પિરિયડના જામીન આપવા વાંકાનેર અદાલતમાં અરજી આપેલી, જે અરજી મંજૂર કરી વાંકાનેર અદાલત દ્વારા ઉપરોક્ત બંને આરોપીને 30 દિવસના અપીલ પિરિયડના જામીન આપેલા, તેમજ આરોપી ઘનશ્યામસિંહ લખુભા ઝાલાને ગુન્હા અનુસંધાને સજાનો હુકમની અમલવારી અન્વયે જેલમાં મોકલવામાં આવેલા હતા.
ઉપરોક્ત સજાના હુકમ સામે આરોપીઓ ઘનશ્યામસિંહ લખુભા ઝાલા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, વનરાજસિંહ માલુભા ઝાલા દ્વારા મોરબી સેશન્સ અદાલતમાં અપીલ દાખલ કરવામાં આવેલી અને જે અપીલ અનુસંધાને તેઓ દ્વારા જામીન પર છુટવા માટે રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલી હતી, જે જામીન અરજીમાં એવી રજૂઆત કરવામાં આવેલી કે હાલના અરજદાર આરોપીએ કોઈ હથિયાર વડે માર મારેલો હોય તેવું ચાર્જશીટ કે પુરાવો જોતાં જણાય આવતું નથી કે તેવો કોઈ પુરાવો પણ મળી આવેલો નથી તેમજ ફરિયાદી દ્વારા જે મોબાઈલ તથા સીમકાર્ડ લૂંટના આક્ષેપો કરવામાં આવેલા છે તે મોબાઈલ તથા સીમકાર્ડ બનાવ સ્થળેથી જ મળી આવેલા છે જેથી લૂંટના કોઈ તત્ત્વો ફલિત થતાં નથી તેમજ ફરિયાદીને એવી ગંભીર ઈજાઓ થયેલી નથી તેમજ આરોપીઓએ કોઈ હથિયાર વડે માર મારેલો હોય તેવું ક્યાંય જણાય આવતું નથી તેમજ જ્યારે કોઈ ગુન્હામાં નામદાર અદાલત દ્વારા ફીકસ પિરિયડની સજા કરવામાં આવે ત્યારે આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ તેમજ વાંકાનેર અદાલતમાં રજૂ થયેલા પુરાવાઓ અને જુબાનીઓમાં વિસંગતતા જણાય આવતી હોય જેથી તે પણ માનવાને લાયક ન હોય, તેમજ આ કેસમાં આરોપી વિરુદ્ધ કોઈ પ્રથમ દર્શનીય પુરાવો રજૂ કરી શકેલા નથી, આરોપીઓની સામે માર મારવાનો કે લૂંટ કરવાનો કોઈ હેતુ સાબિત થતો નથી, મહત્ત્વના સાહેદોને ફરિયાદપક્ષે તપાસેલા નથી, અને કાયદાકીય મુદ્દાઓની દલીલો કરવામાં આવેલી હતી અને ઉચ્ચ અદાલતના ચૂકાદાઓ રજૂ રાખવામાં આવેલા હતા. ઉપરોક્ત બચાવપક્ષની દલીલો અને કાયદાકીય આધારો અને વાંકાનેર અદાલતમાં રજૂ થયેલા પુરાવાઓ અને જુબાનીઓ ધ્યાને લઈ નામદાર મોરબી સેશન્સ અદાલત દ્વારા આરોપી ઘનશ્યામસિંહ લખુભા ઝાલા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, વનરાજસિંહ માલુભા ઝાલાને અપીલ ચાલતા દરમિયાન જામીન ઉપર મુક્ત કરેલા છે.
આ કામમાં મોરબીના પ્રખર ધારાશાસ્ત્રી જીતુભા જાડેજા તથા રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, મીલન જોષી, જયવીર બારૈયા, ખોડુભા સાકરીયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર રોકાયેલા હતા.