રૂા. 1,67,00,000 ફરિયાદીને એક માસમાં ચૂકવવા તેમાં કસુર કર્યે દરેક કેસમાં વધુ છ-છ માસની સજાનો પણ હુકમ કરવામાં આવેલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ચેક રિટર્ન કેસોમાં ચાલુ ટ્રાયલ દરમિયાન કુલ 28 રીવીઝન અરજીઓ થયેલી હોય તેવો કાનુની ઈતિહાસમાં ક્યારેય કાનુની જંગ જામેલો ન હોય તેવો કિસ્સો રાજકોટની ફરિયાદી પેઢી રવિ મેટલ ટ્રીટમેન્ટ પાસેથી પુનાની આરોપી પેઢી અર્નવ એન્જિનિયર્સના પ્રોપરાઈટર વૈશાલી વિનોદ શીંદેએ લીધેલી રકમ રૂા. 2,00,00,000માંથી રૂા. 3,00,000 ચૂકવી દઈ રકમ રૂા. 1,97,00,000 પરત કરવા ચેકો આપી પ્રોમીસરી નોટ તથા કરાર કરી આપી ઈસ્યુ કરેલા ચેકો પાસ થવા ન દેતા રિટર્ન થતાં દાખલ થયેલી કુલ 14 કેસોમાંથી ત્રણ કેસોનું પેમેન્ટ કરી આપી 11 કેસોની રકમ રૂા. 1,67,00,000 પરત ન કરનાર આર્નવ એન્જિનિયર્સના પ્રોપરાઈઠર વૈશાલી શીંદે વિરુદ્ધ 11 કેસો ચાલી જતાં સાબિત થતાં રાજકોટના એડી. ચીફ. જ્યુડી. મેજિ.એ દરેક ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની એ રીતે કુલ 11 ચેક રિટર્ન કેસમાં સાડા સોળ વર્ષની સજા તથા રૂા. 1,67,00,000 ફરિયાદીને એક માસમાં ચૂકવવામાં કસુર કરવામાં આવે તો દરેક કેસમાં છ-છ માસનો વધુ સજા કરતો હુકમ ફરમાવેલો છે.
કેસની હકીકત જોઈએ તો આજી વસાહતમાં રાજકોટમાં રવિ મેટલ ટ્રીટમેન્ટના નામે પેઢી ચલાવતા રમેશભાઈ રાચ્છ દ્વારા નાસિક રોડ ઉપર પુના (મહારાષ્ટ્ર)ના અર્નવ એન્જિનિયર્સના નામે પેઢી ચલાવતા વૈશાલીબેન વિનોદભાઈ શીંદે વિરુદ્ધ ફરિયાદીએ રાજકોટની કોર્ટમાં એ મતલબની ફરિયાદો દાખલ કરેલી કે ફરિયાદી પેઢી આરોપી પેઢી પાસેથી માલ ખરીદતી હોય એ રીતે સંબંધ અસ્તિત્વમાં આવેલા. દરમિયાન ફરિયાદી પેઢીને રકમ રૂા. 2,00,00,000ની જરૂરત ઉપસ્થિત થતાં સંબંધના દાવે માગણી કરતા ફરિયાદી પેઢીએ તા. 28-9-2015ના રૂા. 60,00,000 તથા તા. 3-12-2015ના રૂા. 90,00,000 તથા 3-2-2016ના રૂા. 50,00,000 મળી રકમ રૂા. 2,00,00,000 અંકે રૂપિયા બે કરોડ પુરા આર.ટી.જી.એસ. મારફત બેંક ટુ બેંક રકમ આપેલી. તેમાંથી રકમ રૂા. 3,00,000 પરત કરી બાકીની રકમ રૂા. 1,97,00,000 અન્વયે પ્રોમીસરી નોટ તથા લેણી રકમનો કરાર લખી આપી કુલ 14 ચેકો ઈસ્યુ કરી આપતી વખતે ચેકો પાસ થઈ જશે પરત ફરશે નહીં તેવા આપેલા વચન, વિશ્ર્વાસ અન્વયે ફરિયાદીએ ચેકો બેંકમાં ડીપોઝીટ કરતાં 14 ચેકો રિટર્ન થતાં તે અન્વયે ડીમાન્ડ નોટીસ પાઠવવા છતાં રકમ ન આપતાં આરોપી વિરુદ્ધ કુલ 14 કેસો દાખલ કરવામાં આવેલા. જે કેસોના કામે ભાષા અન્વયેની તકરાર તેમજ ચાલુ ટ્રાયલ દરમિયાન અનેક કાનુની તકરારો ઉઠાવી કુલ 28 રીવીઝનો સમયાંતરે સેશન્સ અદાલતમાં દાખલ કરવામાં આવેલી અને કાનુની જંગ દરમિયાન કુલ 3 કેસોની રૂા. 30,00,000નું પેમેન્ટ કરી કુલ રકમ રૂા. 1,67,00,000 પરત ન કરતા બાકી રહેલી કુલ 11 કેસો અદાલતમાં ચાલેલા હતા.
ઉપરોક્ત કેસ ચાલી જતાં આરોપી તરફે એવી દલીલો કરવામાં આવેલી કે ફરિયાદી પેઢી પાસેથી હાથ ઉછીના નહીં પરંતુ ફરિયાદી પેઢીએ આરોપી પેઢીમાં રકમ ઈન્વેસ્ટ કરેલી હતી તેનું વ્યાજ પણ ચૂકવવામાં આવતું હતું અને આરોપી પેઢીને ફરિયાદી પેઢીના માણસ હેન્ડલ કરતા હતા અને તેઓને લાગેલું કે પેઢીમાં ખોટ જશે એટલે ચેકો મેળવી, ચેકોનો દુરુપયોગ કરી ખોટા કેસો કરેલા છે તે દલીલ સામે ફરિયાદીના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજૂઆતો કરવામાં આવેલી કે બેંક ટુ બેંક રકમ આપેલનું રેકર્ડ ઉપર પુરવાર થયેલું છે તેને ફરિયાદીની ઉલટતપાસથી તેમજ આરોપીને બચાવના સાક્ષીની ઉલટતપાસથી સમર્થન મળેલું છે.રેકર્ડ પરના રજૂ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતાં ફરિયાદ પક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે. આરોપીએ ફરિયાદીનું કાયદેસરનું લેણુ પરત કરવા ચેકો ઈસ્યુ કરી આપેલાની હકીકતને સમર્થન મળે છે. ફરિયાદ પક્ષે રજૂ કરેલી દસ્તાવેજી સંબંધે ઉઠાવેલ તકરાર પુરવાર કરી શકેલ નથી. ફરિયાદવાળા ચેકો આરોપીએ કાયદેસરના દેવાની ચૂકવણી પેટે આપેલા હતા તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરાવાથી પુરવાર થયેલા છે તેમજ ચેકો રિટર્ન થયા બાદ નોટીસો આપ્યા બાદ કે કેસો દાખલ થયા બાદ પણ વિવાદી ચેકોની રકમ ફરિયાદીએ ચૂકવેલ હોવાનું પુરવાર થતું નથી. ફરિયાદીએ એન.આઈ. એક્ટના તમામ આવશ્યક તત્ત્વો પુરવાર કરેલા છે, તેમજ ચેકો આપેલા નહીં હોવાનું કે ચેકોમાં પોતાની સહી નહીં હોવાનો આરોપીનો બચાવ નથી, ફરિયાદ પક્ષના પુરાવાનું ખંડન કરતો ખંડનાત્મક પુરાવો આરોપી રેકર્ડ પર લાવવામાં સફળ થયેલા નથી ત્યારે ફરિયાદી પક્ષના કેસો પુરવાર માની આરોપીને દરેક કેસમાં દોઢ-દોઢ વર્ષની સજાઓ મળી કુલ 11 કેસોમાં સાડા સોળ વર્ષની સજા ઉપરાંત ચેકોની રકમ રૂા. 1,67,00,000 એક માસમાં ફરિયાદીને ચૂકવવા અને તેમાં કસૂર કર્યે દરેક કેસમાં વધુ છ-છ માસની સજા ફરમાવતો સિમાચિન્હરૂપ ચૂકાદો ફરમાવવામાં આવેલો છે.
- Advertisement -
ઉપરોક્ત કામના ફરિયાદી રવિ મેટલ ટ્રીટમેન્ટના માલીક રમેશભાઈ રાચ્છ વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ, જયમલ મકવાણા રોકાયેલા હતા.



