વળતર પેટે પ્રત્યેક કેસ દીઠ ચેકની રકમ રૂા. બે લાખ દિન 60માં ફરિયાદીને ચૂકવવામાં કસૂર કરે તો વધુ ત્રણ માસ ગણી કુલ બાર માસની સજાનો પણ હુકમ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગણેશપર ગામના રહીશ નાગજીભાઈ નારણભાઈ ચૌધરીએ રાજકોટમાં ગોંડલ રોડ પર સમૃદ્ધિ ભવન ખાતે ક્રોપવેલ બાયો સાયન્સના નામે ખેતીમાં ઉપયોગી જંતુનાશક દવાનો ધંધો કરતાં તથા નાના મૌવા રોડ પર રાજનગર ચોક પાસે આવેલી લક્ષ્મી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ અમરભાઈ માકડીયા પાસેથી ખેતીમાં વપરાતી જંતુનાશક દવાની ખરીદી કરતાં હોય જેથી મિત્રતાના સંબંધો બંધાયેલા. એમ આરોપી ફરિયાદીના વર્ષો જૂના મિત્ર હોય અને આરોપી નિલેશભાઈને પોતાના ધંધામાં રૂા. આઠ લાખની જરૂરિયાત ઉપસ્થિત થતાં ફરિયાદીને મિત્રતાના સંબંધે મદદરૂપ થવા જણાવતા ફરિયાદી નાગજીભાઈ ચૌધરીએ આરોપીની માગણી મુજબ નાણા ગૌતમભાઈ ચૌધરીની હાજરીમાં આપેલા હતા. જે અવધી સમય પૂરો થાય તે પહેલા આરોપી નિલેશભાઈએ ફરિયાદીન રકમ ચૂકવી આપવા માટે વચન વિશ્ર્વાસ અને ખાત્રી આપેલી હતી જે બદલ આરોપીએ પોતાની ક્રોપવેલ બાયો સાયન્સ પેઢીના લેટરપેડ પર સ્વહસ્તાક્ષરમાં લખાણ કરી સહી કરી આપેલી હતી. ત્યારબાદ ફરિયાદીએ તેઓની આરોપી પાસે રહેલી લેણી રકમની માગણી કરતા રૂા. બે લાખના કુલ ચાર ચેકો અલગ અલગ તારીખના ફરિયાદીની તરફેણમાં આપેલા હતા જે પરત ફરશે નહીં તેવા આરોપી દ્વારા વચન વિશ્ર્વાસ આપવા છતાં ઉપરોક્ત ચેકો આરોપીએ પાસ ન થવા દેતાં તે સંબંધે આરોપી વિરૂદ્ધ ટંકારાની અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જે ચારેય કેસો ચાલી જતાં સદર કામ દલીલો પર આવતા ફરિયાદીના એડવોકેટ પાર્થ સંઘાણીએ લેખિતમાં દલીલ રજૂ કરી વિગતવાર મૌખિક દલીલ કરેલી હતી.
રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લેતાં ફરિયાદ પક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાઓને સંપૂર્ણપણે સમર્થન મળે છે, આરોપીએ ફરિયાદીનું કાયદેસરનું લેણું પરત કરવા ચેકો ઈસ્યુ કરી આપેલાની હકીકતોને સમર્થન મળે છે તથા ફરિયાદ પક્ષે રજૂ કરેલ દસ્તાવેજો સંબંધે કોઈ તકરાર લેવામાં આવેલી નથી, ફરિયાદવાળો ચેક આરોપીએ કાયદેસરના દેવાની ચૂકવણી પેટે આપેલો હતો તેવી હકીકત આરોપીની જુબાની તથા રેકર્ડ ઉપરના પુરાવાથી પૂરવાર થયેલા છે. ચેક આપેલ નહીં હોવાનું કે ચેકમાં પોતાની સહી નહીં હોવાનો આરોપીનો બચાવ નથી, આરોપી દ્વારા પોતાના બચાવને સમર્થનકારી હકીકત પુરવાર કરી શકેલા નહીં તેવા સંજોગોમાં આરોપી વિરૂદ્ધના કાનુની અનુમાનો માનવાને કારણ રહે છે, ફરિયાદીનો કેસ કાનુની અનુમાનોના આધારે રેકર્ડ ઉપરની વ્યાજબી શંકાથી પર સાબિત થઈ આવે છે તેવું માની ટંકારાની નામદાર અદાલત દ્વારા આરોપીને ચાર કેસો પૈકી કેસ દીઠ એક વર્ષની સજા મળી કુલ ચાર વર્ષ તથા પ્રત્યેક કેસ દીઠ રકમ રૂપિયા બે લાખ ફરિયાદીને ચૂકવવામાં કસૂર થયે કેસ દીઠ વધુ ત્રણ માસની મળી વધુ બાર માસની સજા ફરમાવતો ચુકાદો જાહેર કરેલો છે. ઉપરોક્ત કામમાં ફરિયાદી નાગજીભાઈ નારણભાઈ ચૌધરી વતી રાજકોટના નામાંકિત એડવોકેટ સુરેશ ફળદુ એસોસિયેટના ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, મંથન વિરડીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા તથા મદદમાં કેયુર સંઘાણી, યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રિન્સ રામાણી, ભાવિન ખુંટ રોકાયેલા હતા.